સ્પેનના કોચ દ્વારા ગુજરાતના ખેલાડીઓ માટે ૧૫ દિવસનો હાઇટેક કન્ડિશનિંગ કેમ્પ
વર્તમાન ટેનિસમાં એડવાન્સ ટેક્નિક અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે ત્યારે અમદાવાદમાં આવેલી શૈષ્ય ટેનિસ એકેડેમી ખાતે ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમમાં શાનદાર દેખાવ કરનાર નિકોલસ અલમાગ્રો તથા જાન્કો તિપ્સરેવિચના ફિટનેસ ટ્રેનર એનરિક ગુલ્ડબર્ગ તથા ડિએગો ટેલો શહેરના ટોચના ખેલાડીઓને ૧૫ દિવસના કન્ડશિનિંગ કેમ્પમાં હાઇટેક માર્ગદર્શન આપી રહ્યા છે. સ્પેનના કેસ્ટલડેફલ્સ ખાતે આવેલી ઇલિટેનિસ એકેડેમીના ડાયરેકટર એનરિક કેમ્પમાં ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને ટેક્નિક, ફિઝિકલ તથા સાયકોલોજીકલ ટ્રેનિંગના પાઠ શીખવી રહ્યા છે.
ગુજરાતના ટેનિસ અંગે એનરિકે જણાવ્યું હતું કે પ્રત્યેક ખેલાડીએ પ્રેક્ટિકલ દ્વારા પોતાની રમતના સ્તરને ઉપર લાવવાની સાથે મેન્ટલ સ્ટ્રેન્થ પણ વધારવાની જરૂર છે. ગુજરાતમાં ટેલેન્ટની કોઇ ખોટ નથી પરંતુ તેમણે ઉચ્ચ સ્તરની વધારે ટૂનૉમેન્ટ રમવાની જરૂર છે. સ્થાનિક ખેલાડીઓ પોતાની રમત સાથે ન્યૂરો સાયન્સની પણ સતત માહિતી રાખશે તો મને ખાતરી છે કે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત સારા ખેલાડીઓ આપી શકે છે.
આર્જેન્ટિના અને બ્રિટનમાં ટેનિસનું કોચિંગ આપી ચૂકેલા એનરિકે ઉમેર્યું હતું કે સ્થાનિક લોકોમાં ટેનિસની લોકપ્રિયતાને જોતાં ગુજરાતે વધુ ટેનિસ કોચ તૈયાર કરવાની જરૂર છે. ખેલાડીઓ વીડિયો દ્વારા પણ પોતાની રમત નિહાળીને ખામીઓ દૂર કરી શકે છે.
-ટેનિસમાં ફિટનેસ અત્યંત મહત્વપૂર્ણ હોય છે જે ગુજરાતના ટોચના ખેલાડીઓમાં ઓછી જણાય છે. બીજી સ્ટ્રેન્થના ખેલાડીઓ તેમના કરતા વધારે ફિટ છે. કન્ડશિનિંગ કેમ્પમાં ફિટનેસ ક્લિનિક દ્વારા ટેલેન્ટેડ ખેલાડીઓની ફિટનેસમાં સુધારો થઇ રહ્યો છે. તેમના માટે ફિટનેસ પ્રોગ્રામ તથા ડાયેટની યાદી આપવામાં આવી છે.
વિવિધ કેમ્પથી ગુજરાતને ફાયદો થશે : શ્રીમલ ભટ્ટ
-વિદેશના કોચ પાસે સ્થાનિક ખેલાડીઓને હાઇટેક કોચિંગ આપવાના સંદર્ભમાં યુએસપીટીઆર તથા શૈષ્ય ટેનિસ એકેડેમીના કોચ શ્રીમલ ભટ્ટે જણાવ્યું હતું કે આપણા ખેલાડીઓ વિદેશમાં રમવા જાય છે ત્યારે મેન્ટલ તથા ફિઝિકલ સ્ટ્રેન્થમાં થોડાક પાછળ પડે છે જે અમે સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.