ટીમ ઈન્ડિયાનો ઓપનર ગૌતમ ગંભીર છેલ્લા કેટલાય સમયથી ખરાબ ફોર્મમાં રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ બાદ અમદાવાદ ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટમાં પણ ગૌમત ગંભીર તદ્દન નિષ્ફળ નિવડ્યો છે.
ગંભીર માટે 2010નું વર્ષ સારૂ નથી રહ્યું. ખરાબ ફોર્મ ઉપરાંત ઈજાઓએ પણ ગંભીરને ઘણો પરેશન કર્યો છે. જેના કારણે પણ તેના ફોર્મ પર અસર પડી છે. ગંભીર છેલ્લા બે વર્ષથી શાનદાર ફોર્મમાં હતો. પરંતુ આ વર્ષની શરૂઆતમાં બાંગ્લાદેશ સામે ચિત્તગોંગ ટેસ્ટ બાદ તેનું ફોર્મ અચાનક જ કંગાળ બની ગયું છે.
દિલ્હીના આ પ્રતિભાશાળી ઓપનરની પ્રતિભા અંગે કોઈ જ શંકા કરી શકાય તેમ નથી પરંતુ છેલ્લી નવ ઈનિંગ્સના તેના આંકડા તેની વિરૂદ્ધ જઈ રહ્યા છે. આ નવ ઈનિંગ્સમાં તેણે આશ્ચર્યજનક રીતે ત્રણ વખત શૂન્ય રને આઉટ થયો છે.
અમદાવાદમાં ગંભીરની બન્ને ઈનિંગ્સમાં જોઈએ તો 21 અને શૂન્ય રન બનાવી શક્યો હતો. આ વર્ષના ગંભીરના પ્રદર્શન પર નજર નાંખીએ તો તેણે સાત ટેસ્ટમાં 24.41ની સામાન્ય એવરેજ સાથે 293 રન જ બનાવ્યા છે. જેમાં ફક્ત એક સદી અને એક અડધી સદી સામેલ છે.
તેની સામે 2009માં ગંભીરે પાંચ ટેસ્ટમાં 90.87ની શાનદાર એવરેજ સાથે 727 રન બનાવ્યા હતા જેમાં ચાર સદી અને એક અડધી સદી સામેલ છે. જ્યારે 2008માં તેણે આઠ ટેસ્ટમાં 70.87ની સરેરાશથી 1134 રન બનાવ્યા હતા જેમાં ત્રણ સદી અને છ અડધી સદી સામેલ છે.
પરંતુ આ વર્ષે તો તેનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું છે. ફેબ્રુઆરીમાં નાગપુરમાં દક્ષિણ આફ્રિકા સામે તેણે 12 અને એક રન બનાવ્યા હતા. જ્યારે કોલકતા ખાતે આ જ ટીમ સામે તે 25 રનમાં જ આઉટ થઈ ગયો હતો.
જૂલાઈમાં શ્રીલંકા સામે ગંભીરે ગાલેમાં પ્રથમ ટેસ્ટમાં 2 અને શૂન્ય રન બનાવ્યા હતા પરંતુ ઈજાના કારણે તે બાકીની બે ટેસ્ટમાં રમી શક્યો નહોતો. ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે મોહાલી ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં તેણે 25 અને શૂન્ય રન બનાવ્યા હતા.
પછી ફરીથી ઈજાના કારણે તે ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લોર ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ભારતે કાંગારૂઓને ધૂળ ચટાડતા 2-0થી ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી તેથી ગંભીરના ખરાબ પ્રદર્શનની કંઈ ખાસ નોંધ લેવાઈ નહોતી.
પરંતુ અમદાવાત ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ફરીથી ટીમમાં સામેલ થયેલા ગંભીરે પોતાનું કંગાળ ફોર્મ જાળવી રાખ્યુ હતું. અમદાવાદ ટેસ્ટના બીજા દાવમાં જ્યારે વિશ્વની નંબર એક ટેસ્ટ ટીમના ટોચના 5 ખેલાડીઓ ફક્ત 15 રનમાં જ પેવેલિયન પરત ફર્યા હતા તે દાવમાં ગંભીર પોતાનું ખાતું પણ નહોતો ખોલાવી શક્યો.
ઉલ્લેખનીય છે કે હાલમાં ઘણા યુવા ખેલાડીઓ તેમની પ્રતિભા સાબિત કરી રહ્યા છે. ચેતેશ્વર પૂજારા અને સુરેશ રૈના જેવા ખેલાડીઓ હવે ટીમમાં સામેલ થવા માટે પોતાનું શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તેથી ગંભીરે તેના ફોર્મ અંગે ગંભીરતાથી વિચાર કરીને પોતાનું શાનદાર પ્રદર્શન કરવું જ રહ્યું.