ભારતમાં હાલના સમયમાં ટેસ્ટ રમવા માટે રૂ.7 લાખ, વન ડે રમવા માટે રૂ.4 લાખ અને ટી20 ઈન્ટરનેશનલ મેચ રમવા માટે રૂ.2 લાખ મળે છે. પરંતુ આઈપીએલ-4ના સૌથી મોંઘા ક્રિકેટર ગૌતમ ગંભીરને એક મેચ રમવા માટે રૂ.79 લાખ મળશે.
ગંભીરને આઈપીએલની હરાજીમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમને રૂ.11 કરોડ ચાર લાખ રૂપિયાની જંગી કિંમત્તે ખરીદ્યો છે અને આઈપીએલના જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર જો જોવામાં આવે તો લીગ મેચના આધારે ગંભીરને પ્રત્યેક મેચ માટે 79 લાખ રૂપિયા મળશે. જો ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી જાય છે તો આ રમકમાં થોડો ઘટાડો થઈ શકે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) ગયા વર્ષે ખેલાડીઓની મેચ ફીમાં વધારો કર્યો હતો. બોર્ડે ટેસ્ટ મેચની ફી અઢી લાખ રૂપિયા વધારીને સાત લાખ કરી દીધી હતી તો વન ડેમાં પણ 1.8 લાખ રૂપિયાનો વધારો કરીને ચાર લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી. ટી20ની ફીમાં એક લાખ રૂપિયા વધારવામાં આવ્યા હતા.
ગંભીર બાદ બીજા મોંઘા ખેલાડી યુસુફ પઠાણને પ્રતિ મેચ 69 લાખ રૂપિયા મળશે. પઠાણને પણ કોલકત્તાની ટીમે 9.66 કરોડમાં ખરીદ્યો છે. આ રીતે પુણેની ટીમના રોબિન ઉથપ્પાને 9.66 કરોડ રૂપિયા મળ્યા છે તેથી તેને પણ પ્રત્યેક મેચ રમવા માટે 69 લાખ રૂપિયા મળશે.
આ ઉપરાંત અન્ય ખેલાડીઓની વાત કરીએ તો રોહિત શર્માને પ્રતિ મેચ 65.7 લાખ રૂપિયા મળશે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તેને 9.2 કરોડમાં ખરીદ્યો હતો. ઈરફાન પઠાણ લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે અને તે વર્લ્ડકપના સંભવિત ખેલાડીઓમાં પણ સામેલ નથી. પરંતુ દિલ્હી ડેરડેવિલ્સની ટીમે ઈરફાનને રૂ.8.74 કરોડમાં ખરીદ્યો છે. તેને પ્રત્યેક મેચના 62.5 લાખ રૂપિયા મળશે.