સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં સંડોવણીના કારણે પાકિસ્તાનમાં હિંસક પ્રતિક્રિયા વ્યક્ત કરશે તેવી દહેશતના કારણે ઝડપી બોલર મોહમ્મદ આસિફ બ્રિટનમાં રાજકીય આશ્રય માગવાનું વિચારી રહ્યો છે.
સ્થાનિક અખબાર ડેઇલી ટેલિગ્રાફના અનુસાર આસિફે ગયા શુક્રવારે એક ઇમિગ્રેશન ઓફિસર સાથે ૩૫ મિનિટ વાટાઘાટ કરી હતી. આસિફ અત્યારે મેચફિક્સિંગ અંગે થઇ રહેલી પૂછપરછના કારણે ઇંગ્લેન્ડમાં છે.
અખબારના અનુસાર આસિફે જણાવ્યું હતું કે મને ભય છે કે ફિક્સિંગના કારણે તે અંડરવર્લ્ડના માફિયાઓની ગેરકાનૂની સટ્ટાબાજી સાથે જોડાયેલી વિવિધ ગેંગનો નિશાન બની શકે છે.
આસિફના વકીલે જણાવ્યું હતું કે બ્રિટનમાં રહેવા તથા રાજકીય આશ્રય લેવા માટે ક્યા પ્રકારની પ્રક્રિયા છે તે અંગે બોલરે પૂછપરછ કરી હતી, જોકે આશ્રય લેવા બાબતે પહેલાં કશું કહ્યું નહોતું. તેણે માત્ર ઇંગ્લેન્ડમાં કઇ રીતે રોકાઈ શકાય છે તે અંગે પૂછ્યું હતું. અમે તેને માહિતી આપી હતી કે તે અભ્યાસ માટે અથવા તો વર્ક પરમિટ પર અહીં રહી શકે છે.
ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે જો આસિફ તેના જાનનું જોખમ છે તે સાબિત કરી આપે તો તેને રાજકીય આશ્રય મળી શકે છે.