૮૦ વર્ષ પહેલાંની ગેમ્સમાં ખેલાડીઓ રાતવાસો સ્કૂલમાં કરતા હતા, છ રમતો સાથે ગેમ્સનો પ્રારંભ થયો હતો
દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ખેલાડીઓને રહેવા માટે યમુના નદીના કિનારે આલિશાન ગેમ્સ વિલેજ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ આજથી ૮૦ વર્ષ પહેલાં જ્યારે આ રમતોની શરૂઆત થઇ હતી ત્યારે ખેલાડીઓને એક સ્કૂલમાં ઉતારો આપવામાં આવ્યો હતો જેના એક ક્લાસરૂમમાં બે ડઝન ખેલાડીઓ રાત પસાર કરતા હતા.
કોમનવેલ્થ ગેમ્સને તે સમયે બ્રિટિશ અમ્પાયર તરીકેના નામથી ઓળખવામાં આવતી હતી. આ નામ રમતો સાથે ૧૯૫૦ સુધી જોડાયેલું રહ્યું હતું. ત્યારબાદ બ્રિટિશ એમ્પાયર તથા કોમનવેલ્થ ગેમ્સ, ફરીથી બ્રિટિશ કોમનવેલ્થ ગેમ્સ અને ૧૯૭૮થી કોમનવેલ્થ ગેમ્સ નામ આપવામાં આવ્યું હતું.
કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત કરવાનો વિચાર ઇંગ્લેન્ડના એસ્ટલે કૂપરે ૧૮૯૧માં ગ્રેટર બ્રિટનના અખબારમાં પોતાના અહેવાલમાં રજુ કર્યો હતો પરંતુ તેને અંતિમ સ્વરૂપ આપવામાં ૩૯ વર્ષ લાગી ગયાં હતાં.
પ્રથમ વખત આ રમતોનું આયોજન ૧૬મીથી ૨૩મી ઓગસ્ટ વચ્ચે કેનેડાનાં શહેર હેમલ્ટિન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં છ રમતોમાં ૧૧ દેશના ૪૦૦ રમતવીરોએ ભાગ લીધો હતો.
હેમલ્ટિનમાં તે સમયે ખેલાડીઓ માટે નિવાસસ્થાનની કોઇ વ્યવસ્થા હતી નહીં અને આયોજકોએ મુખ્ય સ્ટેડિયમ સિવિક સ્ટેડિયમની નજીક આવેલી પ્રિન્સ ઓફ વેલ્સ સ્કૂલમાં ખેલાડીઓને ઉતારો આપ્યો હતો. ખેલાડીઓ વધારે હોવાથી તથા ક્લાસરૂમ ઓછા હોવાના કારણે બે ડઝનથી પણ વધારે ખેલાડીઓને એક જ રૂમમાં સુવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
ખેલાડીઓને મૂળભૂત સગવડો મળી નહીં હોવા છતાં તેમણે હેમલ્ટિન શહેરની યજમાનીની ભારે પ્રશંસા કરી હતી. હેમલ્ટિન કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લેટિક્સ, બોક્સિંગ, લોન બોલ, સ્વુમિંગ, રોઇંગ તથા કુસ્તીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.