ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓએ સ્પોટ ફિક્સિંગના આરોપો સામનો કરી રહેલા પાકિસ્તાન ક્રિકેટના ખેલાડી સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ સામે ક્રિકેટ રમવાનો ઇન્કાર કર્યો છે. અને તેઓને ટી-20 અને વનડે શ્રેણીની ટીમમાંથી બહાર કરવામાં આવે તેવી માંગણી કરી છે.
ઇંગ્લેન્ડને પાકિસ્તાન વિરુદ્ધ પાંચ સપ્ટેમ્બરથી બે ટી-20 અને પાંચ વનડે રમવાની છે. તેઓના પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન(પીસીએ)નું કહેવું છે કે, પાકિસ્તાનના ત્રણેય ખેલાડીઓ કે જેઓ સ્પોટ ફિક્સિંગના આરોપોનો સામનો કરી રહ્યાં છે. તેઓને આ શ્રેણીઓમાંથી બહાર કરવામાં આવે. જેથી આ શ્રેણીઓમાં ફિક્સિંગ ન થાય.
પીસીએના મુખ્ય કાર્યકારી એન્ગસ પોર્ટરે જણાવ્યા અનુસાર ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ ઇચ્છે છે કે રવિવારે કાર્ડિફમાં થનાર મુકાબલા પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આરોપી ખેલાડીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.
તેમણે કહ્યું કે, ઇંગ્લેન્ડના ખેલાડીઓ જાણે છે કે, રમત ચાલું રહેવી જોઇએ અને તેઓ પ્રોફેશ્નલ ખેલાડીઓ હોવાના કારણે તેઓ રમશે ખરા, પરંતુ જે ખેલાડીઓ સ્પષ્ટપણે સ્પોટ ફિક્સિંગ મુદ્દે સીધા જોડાયેલા છે તેમની સાથે રમવુ ઘણું મુશ્કેલ સાબિત થશે.
અમારું માનવું છે કે, આ સ્થિતિથી બચવા માટે આરોપી ખેલાડીઓને નિલંબિત કરી દેવા જોઇએ અને જો એવું થઇ શકે તેમ ન હોય તો તેઓને ટીમમાંથી બહાર કરવા માટે કોઇ રસ્તો કાઢવો જોઇએ તેમ પોર્ટરે કહ્યું છે.