ભારતીય ટીમને માનસિક દબાણ હેઠળ રાખવાનો મરણિયો પેંતરો બૂમરેન્ગ બન્યો
ક્રિકેટ વિશ્વમાં સૌથી અંચઈડા દેશ તરીકે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને ગણવામાં આવતા હતા, પરંતુ શ્રીલંકા આજે આ બંનેયને ઓળંગીને સવાયું અંચાઈડું પુરવાર થયું છે. ત્રિકોણિય વન-ડે શ્રેણીમાં ભારત સામેની દામ્બુલા ખાતેની મેચમાં શ્રીલંકાએ જાણી જોઇને નો બોલ ફેંકી વીરેન્દ્ર સેહવાગને માત્ર એક રન માટે સદીથી વંચિત રાખવાની કિન્નાખોરી આચરી હતી.
ભારતને પણ જીતવા માટે માત્ર એક રન જોઈતો હતો ત્યારે શ્રીલંકાના બોલર સૂરજ રણદીવે જાણીજોઈને નો બોલ ફેંકતાં ભારત જીતી તો ગયું પરંતુ સેહવાગે સિકસર ફટકારી હોવા છતાં નિયમ મુજબ નો બોલ પડતાં સિકસર ગણતરીમાં ન લેવાઈ. શ્રીલંકાની હાર નિશ્વિત જ હતી છતાં ભારત જીતે તેનાં કરતાં સેહવાગની સદી ન થાય એ માટેની ચૂંક શ્રીલંકન ખેલાડીઓના પેટમાં ખૂબ આવતી હતી.
નો બોલનું આવું અંચઈડું શસ્ત્ર અજમાવીને શ્રીલંકનો ભારતની ટીમને માનસિક રીતે દબાવવા માંગતા હોવાનું તેમની આ ચેષ્ટાથી સ્પષ્ટ થયું છે. હું તો મરું પણ જોડે જોડે તને ય રાંડ કરું એવી માનસિકતાથી પીડાતા શ્રીલંકાના ખેલાડીઓએ જેન્ટલમેન્સ ગેમ કહેવાતી ક્રિકેટની ખેલદિલીનાં ચિંથરાં ઉડાવી દીધાં છે. રણદીવે એ જાણીજોઈને નો બોલ નાખ્યો હતો અને એ માટે દિલશાને એને ઉશ્કેર્યો હતો.
શ્રીલંકન ક્રિકેટ બોર્ડે દેખાડો કરવા આ બંનેય સામે જે પગલાં લીધાં એટલાથી તેમની આ અંચાઈને કોઈ રીતે માફ કે સરભર કરી શકાય એમ નથી. આઈસીસીએ છેલ્લા બે વર્ષમાં શ્રેષ્ઠ ખેલદિલ ટીમ તરીકે શ્રીલંકાને જે એવોર્ડ આપ્યા તેને આ અંચઈખોરો એ શ્રીલંકાના હિન્દીમહાસાગરના ખારા પાણીમાં ડૂબાડી દીધા છે. શ્રીલંકાએ નિયમ વિરુદ્ધ કોઈ વર્તન નહીં કરીને બહુ હોંશિયારી જરૂર દાખવી પરંતુ ક્રિકેટ અને તેના બોર્ડની પ્રતિષ્ઠા બચાવી શકાઈ નહીં.
શ્રીલંકાની આ તેજોદ્વેષી વૃત્તિ કંઈ પહેલીવારની નથી. ગઈસાલ ભારતના કટકમાં ખેલાયેલી ત્રીજી વનડેમાં પેલા જીંથરાં જેવા વાળ ધરાવતા અને આડા હાથે થ્રો બ્રાન્ડ બોલ ફેંકતા મલિંગાએ લેગ સાઈડમાં જ સતત પાંચ વાઈડ બોલ નાખીને સચિન તેંડુલકરને સદી કરવા દીધી નહોતી.
ક્રિકેટમાં જ્યારથી ફિક્સિંગ-સટ્ટાખોરી થકી સ્પર્ધાનું પ્રમાણ વધી ગયું છે ત્યારથી ખેલાડીઓ ખેલદિલીવિહોણા બન્યા છે. હરીફ ટીમ હારે એ તો ઠીક પણ બાજી જ્યારે હાથની બહાર હોય ત્યારે ગમે તેવી લાંછનરૂપ હરક્તો કરતાં પણ અત્યારના ખેલાડીઓ શરમાતા નથી.