મહિલા હોકી વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતનો ૧-૭થી સૌથી કંગાળ પરાજય
મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતની ટીમનો નેધરલેન્ડ્સ સામે ૧-૭થી કારમો પરાજય થયો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતનો આ સૌથી વધુ અંતરથી કંગાળ પરાજય થયો હતો.
અહીં યોજાયેલા મહિલા હોકી વર્લ્ડ કપની સોમવારે રમાયેલી પ્રારંભિક મેચમાં ગઈ વખતના ચેમ્પિયન નેધરલેન્ડ્સની ટીમ માટે પેનલ્ટી કોર્નર નિષ્ણાત માર્ટજે પૌમેને હેટ્રિક નોંધાવી હતી તો કિમ લેમર્સે બે અને મેરિલીન એગિ્લઓટ્ટી અને એલેન હોગે એક-એક ગોલ નોંધાવ્યા હતા.
માર્ટજેએ ૪૧મી, ૪૯મી અને ૬૦મી મિનિટે ડચ ટીમને સફળતા અપાવી હતી જ્યારે મેરિલીને આઠમી, એલેને ૨૪મી તથા કિમે ૨૮ અને ૪૫મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. ભારત માટેનો એકમાત્ર ગોલ રાની રામપાલે બાવીસમી મિનિટે પાવરફુલ સ્ટ્રાઇકથી નોંધાવ્યો હતો.
યોગાનુયોગે ૭-૧નો વિજય વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સની ટીમનો સૌથી મોટો વિજય છે. અગાઉ ૨૦૦૨માં તેણે આયર્લેન્ડને ૬-૦થી હરાવ્યું હતું. સોમવારની મેચમાં ચેમ્પિયન ટીમ સામે મેચના પ્રારંભથી જ ભારતને આક્રમણનો સામનો કરવાનો આવ્યો હતો, કેમ કે ડચ મિડફિલ્ડર નાઓમી વાન તેની શ્રેષ્ઠ રમત દાખવી રહી હતી.