ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ ખેલાડી સર ડોન બ્રેડમેન ક્રિકેટ જગતનાં મહાન ખેલાડીઓની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. આજે પણ ટેસ્ટ ક્રિકેટમાં તેમની જે એવરેજ હતી તેટલી એવેરજ સુધી કોઇ ખેલાડી પહોંચી શક્યું નથી. ઉપરાંત તેઓએ ઘણા રેકોર્ડો પણ સ્થાપિત કર્યા હતા. જો કે, તેમના નામે અન્ય એક રેકોર્ડ પણ છે અને એ રેકોર્ડ છે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં માત્ર એક વખત 12માં ખેલાડી તરીકેની ભૂમિકા નિભાવવાની.
તમને કદાચ નવાઇ લાગશે પરંતુ સર ડોન બ્રેડમેને 1928માં ટેસ્ટ ક્રિકેટની શરૂઆત કરી હતી. કારકિર્દીની બીજી ટેસ્ટમાં તેઓને 12માં ખેલાડી તરીકેની ભૂમિકા અદા કરવી પડી હતી. જો કે, ત્યાર પછી ક્યારેય પણ તેઓને 12માં ખેલાડી તરીકે રાખવામાં આવ્યા નથી.
વર્ષ 1928માં 30 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રતિષ્ઠિત ટેસ્ટ શ્રેણી રમાઇ હતી. આ શ્રેણીમાં જ સર ડોનબ્રેડમેને ટેસ્ટ ક્રિકેટમાં પર્દાર્પણ કર્યું હતું. બ્રિસબેન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બ્રેડમેનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે, તેઓ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં માત્ર 18 અને બીજી ઇનિંગમાં 1 જ રન બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ 675 રનથી હારી ગયું હતું.
પ્રથમ ટેસ્ટમાં નબળું પ્રદર્શન કરવા બદલ સર ડોનબ્રેડમેનનો બીજી ટેસ્ટમાં અંતિમ 11માં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જો કે, તેમના માથે 12માં ખેલાડીની જવાબદારી સોંપાઇ હતી. નોંધનીય વાત છે કે, ત્યારપછી ક્યારેય તેઓ 12મો ખેલાડી બન્યા નથી.