વિશ્વના ટોચના ટેનિસ સ્ટાર સર્બિયાના નોવાક જોકોવિક અને આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડની દોડમાં સામેલ છે. આ એવોર્ડ્સ છ જાન્યુઆરીના રોજ આપવામાં આવશે.
વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર માટે છ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં જોકોવિકનો દાવો સૌથી મજબૂત છે. જોકોવિકે 2011માં ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને અમેરિકન ઓપનનું ટાઈટલ જીત્યું હતું જ્યારે તેની હાર જીતનો રેકોર્ડ 70-6 હતો.
સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સિલોના માટે રમનારો મેસ્સી આ એવોર્ડ માટે જોકોવિકને સૌથી મોટી ટક્કર આપશે. જો તે આ એવોર્ડ જીતવામાં સફળ રહેશે તો આ એવોર્ડ જીતનારો તે પ્રથમ ફૂટબોલર હશે.
લોરિયસ એવોર્ડ્સ જીતવાના મામલે ટેનિસ સ્ટાર સૌથી આગળ રહ્યા છે. 16 ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કરી ચૂકેલા સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરે ચાર ચાર વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. જ્યારે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર જમૈકાના દોડવીર ઉસૈન બોલ્ટે આ એવોર્ડ પર બે વખત કબ્જો જમાવ્યો છે અને ત્રણ વખત તેની પસંદગી થઈ હતી.