>divyabhaskar.comના વાચકોના મતે પઠાણબંધુઓને ટીમમાં સામાવવા જોઈએ
યુસુફ એક આક્રમક બેટ્સમેન હોવા ઉપરાંત ઘાતક સ્પિનર પણ છે.
દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી વન ડે શ્રેણીની પ્રથમ બન્ને મેચમાં ભારતીય બેટ્સમેનોનો ધબડકો થયો હતો. જેમાં ભારતે ડરબન ખાત રમાયેલી પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે જોહાનિસબર્ગ ખાતે રમાયેલી બીજી વન ડેમાં બોલરોએ કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે મેચ જીતી લીધી હતી.
જો કે સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ બીજી વન ડે બાદ કબૂલ્યું હતું કે તેના બેટ્સમેનો સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. બન્ને વન ડેમાં ભારતની મજબૂત ગણાતી બેટિંગ લાઈન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.
તેમાં પણ સુરેશ રૈના, મુરલી વિજય અને રોહિત શર્મા જેવા યુવા બેટ્સમેનો અપેક્ષા પ્રમાણે દેખાવ કરી શક્યા નથી. જેથી વર્લ્ડકપ અગાઉ ભારતીય ટીમની ચિંતાઓમાં વધારો થયો હશે તે નક્કી છે. તેમાં પણ મુરલી વિજયને વારંવાર તક આપ્યા છતાં તે પ્રત્યેક મેચમાં નિષ્ફળ ગયો છે.
દિવ્યભાસ્કર.કોમ દ્વારા આ અંગે વાચકોના મંતવ્યો અને ફિડબેક મંગાવવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના વાચકોએ પઠાણ બંધુઓને ટીમમાં સામેલ કરવાનું સૂચન કર્યુ છે. જેમાં યુસુફ પઠાણને વિરેન્દ્ર સેહવાગની ગેરહાજરીમાં દાવની શરૂઆત કરાવવાની માંગ પણ મોટા ભાગના વાચકોએ કરી છે. જ્યારે ઈરફાન પઠાણને પણ તક આપવા માટેનું સૂચન કર્યુ હતું. યુસુફ એક આક્રમક બેટ્સમેન હોવા ઉપરાંત ઘાતક સ્પિનર પણ છે.
વાચકોના મત પ્રમાણે ભારતે વર્લ્ડકપ જીતવા માટે ઈરફાન પઠાણની જરૂર છે. કેમ કે તે એક સારો બોલર હોવા ઉપરાંત જરૂર પડ્યે બેટ વડે પણ પોતાનું યોગદાન આપે છે. આ ઉપરાંત વાચકોએ મુરલી વિજયના સ્થાને અન્ય કોઈ યુવા ક્રિકેટરને ટીમમાં સામેલ કરવાની માંગ કરી છે.