ડરબન ટેસ્ટ જીતવાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાનો બીજો સફળ સુકાની બની ગયો છે. ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની આ 14મી જીત હતી.
આ પહેલા મોહમ્મદ અઝહરૂદ્દીનની આગેવાનીમાં ભારતે 14 મેચ જીતી હતી. ધોનીથી આગળ હવે ફક્ત સૌરવ ગાંગુલી છે કે જેના નેતૃત્વમાં ભારતે 21 ટેસ્ટ મેચ જીતી હતી.
ડરબન ટેસ્ટના વિજય બાદ એ વાત સાબિત થઈ ગઈ છે કે ધોની દક્ષિણ આફ્રિકા સામે ભારતનો સૌથી સફળ સુકાની છે. ધોનીની આગેવાનીમાં જ ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે 3 ટેસ્ટ મેચ જીતી છે. આ સિવાય દુનિયાના અન્ય સુકાનીઓ કે જેઓએ 20 કે તેથી વધુ ટેસ્ટમાં નેતૃત્વ કર્યુ હોય તેમાંથી ફક્ત ત્રણ સુકાનીઓ ધોનીથી આગળ છે. આ ત્રેણય સુકાનીઓ ઓસ્ટ્રલિયાના છે.
જેમાં રિકી પોન્ટિંગ, સ્ટીવ વો અને સર ડોન બ્રેડમેનનો સમાવેશ થાય છે. સ્ટીવ વોના સુકાનીપદમાં ઓસ્ટ્રેલિયાએ 57 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી 41માં જીત મળી છે. ડોન બ્રેડમેનની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ 24 ટેસ્ટ રમી છે જેમાં 15 ટેસ્ટમાં જીત મળી છે. રિકી પોન્ટિંગના નેતૃત્વમાં 77 ટેસ્ટમાંથી ઓસ્ટ્રેલિયાને 48 ટેસ્ટમાં વિજય હાંસલ થયો છે.