- ડેવિડ વોર્નરે અશ્વિનના બોલ પર ફટકાર્યો હતો છગ્ગો
- વોર્નરની સ્વિચ હિટ બની વિવાદનો વંટોળ
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે ભારત વિરૂદ્ધ પ્રથમ ટી20 મેચમાં પલટી હિટ સાથે છગ્ગો ફટકારીને વિવાદ ઉભો કરી દીધો છે. વોર્નરના આ શોટનો બચાવ કરવા માટે તેનો સાથી બેટ્સમેન ડેવિડ હસ્સી પણ મેદાનમાં ઉતર્યો છે.
હસ્સીએ વોર્નરનો બચાવ કરતા કહ્યું છે કે આ પલટી હિટને હવે આઈસીસીની માન્યતા મળી જવી જોઈએ.
વોર્નરે ઓફ સ્પિનર અશ્વિનની બીજી ઓવરમાં પલટી હિટ (અંગ્રેજીમાં સ્વિચ શોટ) ફટકારીને મેચની સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો હતો. આ શોટથી બોલ 100 મીટર દૂર સ્ટેન્ડમાં ગયો હતો.
મેચ પહેલા ડેવિડ વોર્નરને એક સવાલ કરવામાં આવ્યો હતો કે શું તે સ્વિચ હિટ રમશે તો તેના જવાબમાં તેણે કહ્યું હતું કે જરૂરથી, જો કે તેના માટે પિચનો મીજાજ સમજવો પડશે. જો થોડા સમય માટે પિચ પર ટકી ગયો તો સ્વિચ હિટ જરૂરથી મારીશ.
ઈંગ્લિશ ઓલ-રાઉન્ડર કેવિન પીટરસન આ શોટને સૌ પ્રથમ વખત રમ્યો હતો. ત્યાર બાદ વોર્નરે પણ ટી20માં તેનો ઉપયોગ કર્યો. પરંતુ ક્રિકેટ દિગ્ગજ આ ટેક્નિકને લઈને સંતુષ્ટ નથી.
હસ્સીએ વોર્નરનો બચાવ કરતા કહ્યું છે કે વોર્નરની આ ટેક્નિક રમતના વિકાસ માટે મદદરૂપ રહેશે. તેને પ્રોત્સાહન આપવું જોઈએ. આ શોટ રમવાની એક નવી રીત છે. વોર્નર એક વર્લ્ડક્લાસ ખેલાડી છે. તે બન્ને હાથેથી રમી શકે છે અને આ ઘણું અદ્દભૂત છે.