2011નો વિશ્વકપ એશિયના ઉપખંડમાં રમાવાનો છે. અને વિશ્વકપના ગ્રુપ એની પ્રથમ મેચ ચેન્નાઇ ખાતેના એમએ ચિદમબરમ સ્ટેડિયમમાં રમાવાની છે. જેમાં ન્યૂઝીલેન્ડનો સામનો કેન્યા સાથે થશે. ત્યારે અત્યાર સુધી આ મેદાનમાં ઘણી મેચો યોજાઇ ગઇ છે. પરંતુ એ તમામ મેચોમાંથી કેટલીક મેચો એવી છે કે જે યાદગાર અને ક્રિકેટ ઇતિહાસમાં ક્લાસિક મેચ તરીકે ગણાવી શકાય તેવી છે. જેમાં ધોનીની ધમાકેદાર બેટિંગ ઉપરાંત સઇદની 194 રનની ઇનિંગનો પણ સમાવેશ છે.
ઓસ્ટ્રેલિયાની વિજયી શરૂઆત
1987ના વિશ્વકપ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ગ્રુપ એ માટેની પ્રથમ મેચ આ સ્ટેડિયમ પર રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ એક રન પર વિજય મેળવ્યો હતો. ભારતને જીત માટે 15 રનની જરૂર હતી. અને હાથમાં ચાર વિકેટ હતી. શ્રિકાંત(70) અને દિલિપ વેંગેસ્કરે(73)ની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ કપિલની વિકેટ પડ્યા બાદ ભારતની સ્થિતિ નાજૂક થઇ હતી. અને સ્ટિવ વોએ મનિન્દર સિંહની વિકેટ મેળવીને ઓસ્ટ્રેલિયાના એક શાનદાર વિજય અપાવ્યો હતો. જેઓફ માર્સે ઓસ્ટ્રેલિયા માટે શાનદાર 110 રનની ઇનિંગ રમી હતી.
વો બ્રધર્સે કમાલ બતાવ્યો
ચેન્નાઇ ખાતે 1996માં રમાયેલા વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલ યોજાઇ હતી. જે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની હાઇ સ્કોરિંગ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમના વો બ્રધર્સે શાનદાર દેખાવ કરીને ટીમને વિજય અપાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે લી ગેરમન(89) અને ક્રિસ હેરિસ(130)એ ચોથી વિકેટ માટે 168 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયા સામે 287 રનનો ટાર્ગેટ મુક્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી ઓપનિંગ બેટિંગ કરી રહેલા માર્ક વોએ 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અને બાકી રહેલી બાજીમાં સ્ટિવ વોએ અણનમ 59 અને સ્ટુઅર્ટ લોએ અણનમ 42 રન બનાવ્યા હતા. જેના કારણે ઓસ્ટ્રેલિયા 13 બોલ બાકી હતાં ત્યાં જ જીતી ગયું હતું.
અનવરનો લાંબા સમય સુધી અતૂટ રહેલો રેકોર્ડ
પાકિસ્તાનના સઇદ અનવરે 1997માં 194 રનની ઇનિંગ રમીને પાકિસ્તાનને પેપ્સી ઇન્ડિપેન્ડેન્સ કપમાં ભારત સામે 35 રનથી વિજય અપાવ્યો હતો. અનવરે 146 બોલમાં રેકોર્ડબ્રેક 194 રન બનાવ્યા હતા. તેણે કુંબલેની ઓવરમાં ત્રણ સિક્સ ફટકારીને 26 રન મેળવ્યા હતા. ભારત તરફથી દ્રવિડે 107 અને વિનોદ કાંબલીએ 65 રન બનાવ્યા હતા. જો કે અકિબ જાવેદની વેધક બોલિંગના કારણે ભારતની એક પછી એક વિકેટ પડી રહી હતી. જાવેદે પાંચ વિકેટ મેળવી હતી.
લારાની શાનદાર ઇનિંગ
જાન્યુઆરી 2007માં વેસ્ટઇન્ડિઝે ભારત સામે ત્રણ વિકેટ વિજય મેળવ્યો હતો. જેમાં લારાએ એક શાનદાર ઇનિંગ રમી હતી. એક સમયે ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 232 રન બનાવી લીધા હતા. પરંતુ ડ્વાઇન બ્રેવોએ 39માં ચાર વિકેટ મેળવી હતી. એ સમયે ભારતે 36 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી મળેલા 268 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝે 38 બોલ બાકી હતાં ત્યારે જે વિજય મેળવી લીધો હતો. આ મેચમાં સેમ્યુઅલ્સે 98 રન જ્યારે વેસ્ટ ઇન્ડિઝના મહાન ખેલાડી બ્રાયન લારાએ 83 રન ફટકાર્યા હતા.
ધોનીની ધમાકેદાર બેટિંગ
એશિયા ઇલેવન અને આફ્રિકા ઇલેવન વચ્ચે જૂન 2007માં ચેન્નાઇ ખાતે ત્રીજી ફાઇનલ રમાઇ રહી હતી. જેમાં ધોનીએ બેટ વડે પોતાનો પાવર બતાવ્યો હતો. ધોની અને મહિલા જયવર્દને(107)એ છટ્ઠી વિકેટ માટે 218 રનની ભાગીદારી નોંધાવી હતી. જેના કારણે એશિયા ઇલેવન 72-5થી 331-8 સુધી પહોંચ્યું હતું. ધોનીએ શાનદાર બેટિંગ કરતા 15 ફોર અને પાંચ સિક્સની મદદથી 97 બોલમાં અણનમ 139 રન બનાવ્યા હતા. જો કે, આફ્રિકા ઇલેવન જીતની નજીક હતા પરંતુ હરભજન અને મોહમ્મદ રફિકે મેળવેલી સાત વિકેટના કારણે તેઓ 318 રન જ બનાવી શક્યા હતા.