વર્લ્ડ કપ ફૂટબોલ બાદ સૌથી લોકપ્રિય ટૂનૉમેન્ટ યૂરો કપ શરૂ થવામાં માત્ર ચાર મહિના બાકી રહી ગયા છે પરંતુ સુકાની જહોન ટેરીને ટીમમાંથી પડતો મુકાયા બાદ તેનો વિરોધ વ્યક્ત કરીને કોચ ફેબિયો કાપેલોએ રાજીનામું આપી દેતાં ઇંગ્લેન્ડના અભિયાનને મોટો ફટકો પડ્યો છે.
કાપેલોએ ઇંગ્લેન્ડના ફૂટબોલ એસોસિયેશનના ચેરમેન ડેવિડ બર્નસ્ટિન તથા ઉપપ્રમુખ એલેકસ હોર્ન સાથે લગભગ એક કલાકની લાંબી વાટાઘાટ બાદ રાજીનામું આપી દીધું હતું. યૂરો કપના થોડાક સમય પહેલાં જ ટેરીને સુકાનીપદેથી હટાવવાના એએફએ દ્વારા કરવામાં આવેલા નિર્ણયનો કાપેલોએ જોરદાર વિરોધ કર્યો હતો. કાપેલોના મતે ટેરી જ ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમનો સુકાની છે.