- બ્રાયન વિટોરીએ ન્યૂઝીલેન્ડ સામે 9 ઓવરમાં 105 રન આપ્યા
- 9 ઓવરમાં 105 રન આપનારો પ્રથમ બોલર બન્યો વિટોરી
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ગુરૂવારે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં 9 ઓવરમાં 105 રન આપીને ઝિમ્બાબ્વેનો બોલર બ્રાયન વિટોરી વનડે ઈતિહાસનો સૌથી મોંઘો બોલર બની ગયો છે. તેણે 11.66 રન પ્રતિ ઓવરની સરેરાશથી રન આપ્યા અને ફક્ત 1 જ વિકેટ લીધી હતી.
વિટોરીના નામે નવ ઓવરની બોલિંગ દરમિયાન કોઈ એક મેચમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ નોંધાયો છે.
જો એક દાવમાં 10 ઓવરની વાત કરીએ તો આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના માર્ક લેવિસના નામે છે જેણે 2006માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી મેચમાં 10 ઓવરમાં 11.30ની સરેરાશ સાથે 113 રન આપ્યા હતા. જ્યારે તેને એક પણ વિકેટ નહોતી મળી.
વનડે ઈતિહાસમાં અત્યાર સુધી ફક્ત ચાર બોલરોના નામે આવો રેકોર્ડ છે જેમણે એક દાવમાં 100 કે તેથી વધુ રન આપ્યા હોય. જેમાં લેવિસ, વિટોરી ઉપરાંત ન્યૂઝીલેન્ડના માર્ટિન સ્નેડન (12 ઓવર, 105 રન) અને ન્યૂઝીલેન્ડના જ ટિમ સાઉધી (10 ઓવર, 105 રન) સામેલ છે.
શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનની ગણના વિશ્વના મહાન સ્પિનરોમાં થાય છે પરંતુ મુરલીધરને 2006માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ નવ ઓવરમાં 99 રન આપ્યા હતા.
વનડેમાં સૌથી મોંઘા ભારતીય બોલર તરીકે ટોચ પર આવે છે ઝહિર ખાનનું નામ. ઝહિરે 2009માં રાજકોટમાં શ્રીલંકા વિરૂદ્ધ 10 ઓવરમાં 88 રન આપ્યા હતા. ત્યાર બાદ નામ આવે છે જવાગલ શ્રીનાથનું જેણે 10 ઓવરમાં 87 રન આપ્યા હતા.