ભારત અને પાકિસ્તાનના ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને ઐસામ ઉલ હક કુરેશીની જોડીએ વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂનૉમેન્ટની મેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો અને આ જોડી પોતાના પ્રથમ ગ્રાન્ડસ્લેમને જીતવાથી માત્ર એક વિજય દૂર છે.
શાનદાર રમતનું પ્રદર્શન કરીને ૧૬મી ક્રમાંકિત બોપન્ના અને કુરેશીની જોડીએ આર્જેન્ટિનાના ઇડુરાડો શ્વાન્ક અને હોરાસિયો ઝેબાલોસને ૭-૬ (૫), ૬-૪થી હરાવીને ટોચનો ક્રમાંક ધરાવતા બ્રાયનબંધુ બોબ અને માઇક સાથે ફાઇનલ મુકાબલો નિશ્વિત કર્યો હતો.
વિજય બાદ બોપન્નાએ જણાવ્યું હતું કે ગ્રાન્ડસ્લેમ જીતવા માટે સર્વશ્રેષ્ઠને હરાવવા પડે છે. ઐસામ અને હું આ બાબત અંગે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છીએ.
સેમિફાઇનલ મેચ દરમિયાન ભારત અને પાકિસ્તાનના સંયુક્ત રાષ્ટ્રના દૂત હરપ્રીત સૂરી અને અબ્દુલ્લા હારુન હાજર રહ્યા હતા અને મેચ પૂરી થયા બાદ બંનેએ બોપન્ના અને કુરેશીની મુલાકાત લીધી હતી.
બોપન્ના અને કુરેશીની જોડી માટે ફાઇનલ મુકાબલો ભલે પડકારજનક હોય પરંતુ એક બાબત તેમની તરફેણમાં છે કે તેમની જોડી કેટલાંક સપ્તાહ પહેલાં વોશિંગ્ટનમાં રમાયેલી એટીપી ટૂનૉમેન્ટમાં બ્રાયનબંધુઓની જોડીને હરાવી ચૂકી છે.
કુરેશીએ જણાવ્યું હતું કે મને હંમેશાં વિશ્વાસ હતો કે અમે એટીપી સ્તરે સતત સારો દેખાવ કરીશું તો ગ્રાન્ડસ્લેમમાં પણ સારું પ્રદર્શન કરવાની સફળતા મળશે.
ભારત-પાક. સરહદ પર રમવાની ઇચ્છા
બોપન્ના અને કુરેશી ભારત અને પાકિસ્તાની સરહદ પર બંને દેશના ટેનિસ ખેલાડીઓને રમતા જોવા માગે છે. બોપન્નાએ જણાવ્યું હતું કે બંને દેશના રાજદૂતે અહીં આવીને અમારો મુકાબલો નિહાળ્યો તેનો અમને આનંદ થયો છે પરંતુ અમે આશા રાખીએ છીએ કે જો બંને દેશ સહમત થાય તો અમે સરહદ પર મેચ રમી શકીએ છીએ.