લંડન ઓલિમ્પિક્સમાં ભૂપતિ અને બોપન્ના જોડી બનાવીને રમે તેવા સંકેત
લંડન ઓલિમ્પિક્સ પહેલાં ભારતના ભૂતપૂર્વ સાથી ખેલાડી લિએન્ડર પેસ સાથે પોતે ક્યારેય ફરીથી જોડી બનાવીને રમશે નહીં તેવો સ્પષ્ટ સંકેત આપીને ભારતીય ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિએ જણાવ્યું હતું કે હું મારા નવા ડબલ્સના સાથીદાર રોહન બોપન્ના સાથે કેટલીક ટેક્નિકલ બાબતો ઉપર કાર્ય કરી રહ્યો છું.
અમે એકબીજાને સાથી ખેલાડી તરીકે સ્વીકારી લીધા છે અને અમારી સામે લાંબી સિઝન છે. સિંગલ્સ તથા ડબલ્સ ખેલાડી તરીકે બોપન્નાએ પોતાને સ્થાપિત કર્યો છે તેથી મારે વધારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી.
૨૭મી જુલાઇથી ૧૨મી ઓગસ્ટ સુધી યોજાનારી લંડન ગેમ્સમાં સંભવિત ભાગીદારીના સંદર્ભમાં ભૂપતિએ જણાવ્યું હતું કે ઓલિમ્પિક્સમાં કોણ સાથીદાર રહેશે તે મેં કે લિએન્ડરે નક્કી કર્યું નથી.
રમતોના મહાકુંભમાં ભારત માટે કઇ સર્વશ્રેષ્ઠ જોડી રહેશે તે આઇટાએ નક્કી કરવાનું છે. ૨૦૦૬માં જુદા પડ્યા બાદ પેસ અને ભૂપતિ ૨૦૧૧માં ફરીથી સાથે જોડી બનાવીને રમ્યા હતા પરંતુ આખરે ગયા વર્ષના અંતે ફરીથી વિખૂટા પડીને અલગ અલગ સાથીદારો સાથે રમ્યા હતા.