લાયોનલ મેસ્સીના પેનલ્ટી ચૂકી જવાના કારણે બાર્સેલોનાને કોપા ડેલ રે ફૂટબોલ લીગ ટૂનૉમેન્ટની સેમિફાઇનલના પ્રથમ તબક્કમાં વેલેન્સિયા સામે ૧-૧થી ડ્રોના પરિણામથી સંતોષ માનવો પડ્યો હતો.
બાર્સેલોનાના મિડફિલ્ડર થિયાગો અલ્કાનતારા પેનલ્ટી વિસ્તારમાં ફાઉલ થવાના કારણે ટીમને પેનલ્ટી મળી હતી પરંતુ બ્રાઝિલિયન ગોલકીપર ડિએગો ઓલ્વેસે ૫૬મી મિનિટે મેસ્સીની સ્પોટકિકને ડાબી તરફ અદભુત ડાઇવ કરીને રોકી લીધી હતી.
વેલેન્સિયાએ પોતાના મેસ્તાલા સ્ટેડિયમમાં સારી શરૂઆત કરી હતી અને જેરેમી મેથાયૂએ ૨૭મી મિનિટે ગોલ કરીને ટીમને ૧-૦ની સરસાઇ અપાવી દીધી હતી. પ્રવાસી ટીમે આઠ મિનિટ બાદ સેસ ફાબ્રેગસના ક્રોસ પાસ પર કાર્લસ પુયોલે હેડર દ્વારા ગોલ કરીને સ્કોર ૧-૧થી સરભર કર્યો હતો.