સ્પોટ ફિક્સિંગના આરોપોનો સામનો કરી રહેલા પાકિસ્તાની ખેલાડી સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર જો દોષિત પુરવાર થાય તો તેઓ પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવે તેમ ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિન બોલર શેન વોર્ને કહ્યું છે.
બ્રિટિશ ટેબ્લોઇડે સ્ટિંગ ઓપરેશન કરીને સ્પોટ ફિક્સિંગના સ્કેન્ડલને પ્રકાશિત કર્યા બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ટેસ્ટ સુકાની સલમાન બટ્ટ, ઝડપી બોલરો મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ કથિત રીતે સ્પોટ ફિક્સિંગમાં શામેલ હોવા અંગે સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે.
શેન વોર્ન કે જેને 1994માં બૂકીઓને માહિતી આપવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો તેણે કહ્યું છે કે, જો તેઓ દોષિત પુરવાર થાય તો તેઓને આજીવન પ્રતિબંધથી ઓછી સજા થવી ન જોઇએ.
વોર્ને કહ્યું કે, જો એ વાત સાચી હોય કે તેઓ મેચ ફિક્સિંગમાં શામેલ છે. અને તેઓ સ્પોટ ફિક્સિંગ અંતર્ગત પૈસા લઇને નો-બોલ ફેંકી રહ્યાં છે. તો તેઓને બહાર કરી દેવા જોઇએ. અને એક સાવ સામાન્ય વાત એ છે કે તેઓ ફિક્સ પ્લેયર્સ છે. તેથી તેઓ પર આજીવન પ્રતિબંદ મુકાવો જોઇએ, અને અન્ય જે કોઇ સંડોવાયેલા હોય તેઓને બહાર કરવા જોઇએ.