ઓસ્ટ્રેલિયન ઓપન : કારકિર્દીમાં પહેલીવાર ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતીને એઝારેન્કા નંબર વન પણ બની ગઈ
બેલારસની વિક્ટોરિયા એઝારેન્કાએ શનિવારે ભૂતપૂર્વ નંબર વન મારિયા શારાપોવાને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂનૉમેન્ટની વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. એઝારેન્કાની કારકિર્દીનું આ પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ હતું અને આ સાથે તે પહેલી વાર વિશ્વમાં મોખરાના ક્રમે પણ આવી ગઈ હતી. હવે રવિવારે મેન્સ સિંગલ્સમાં ગયા વર્ષનો ચેમ્પિયન નોવાક જોકોવિચ અને રફેલ નાદાલ ફાઇનલમાં ટકરાશે.
મેલબોર્ન પાર્ક ખાતે શનિવારે રમાયેલી વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં ત્રીજા ક્રમની બેલારસની એઝારેન્કાએ રશિયાની અનુભવી મારિયા શારાપોવાને માત્ર ૮૨ મિનિટની રમતમાં ૬-૩, ૬-૦થી હરાવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સળંગ ચોથી વખત વિમેન્સ સિંગ્લસમાં નવી જ ખેલાડી ચેમ્પિયન બની હતી. અગાઉ સળંગ ત્રણ વર્ષ સુધી દર વર્ષે આ ટૂનૉમેન્ટમાં નવી જ ખેલાડી ચેમ્પિયન બનતી હતી.
પ્રથમ સેટમાં ૦-૨થી પાછળ રહેલી એઝારેન્કાએ એ પછીની ૧૩માંથી ૧૨ ગેમ જીતી લઈને શારાપોવાને આંચકો આપ્યો હતો. એક જમાનામાં શારાપોવા તેની આક્રમક રમત માટે જાણીતી હતી અને તે મોટા ભાગની મેચો હરીફ ખેલાડી સામે આક્રમકતા દાખવીને જ હાંસલ કરતી હતી.