ઓસ્ટ્રેલિયન ઓપન : મેન્સ સિંગલ્સમાં જોકોવિચ ત્રીજી વખત ચેમ્પિયન, ગ્રાન્ડસ્લેમના ઈતિહાસની સૌથી લાંબી ફાઇનલ રમાઇ
વર્તમાન ચેમ્પિયન તથા વિશ્વના પ્રથમ ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચે બીજા ક્રમાંકિત રફેલ નાદાલને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ૫-૭, ૬-૪, ૬-૨, ૬-૭ (૭/૫), ૭-૫થી હરાવીને કારકિર્દીમાં ત્રીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂનૉમેન્ટ જીતી લીધી હતી. નાદાલ અને જોકોવિચના ફાઇનલ મુકાબલાએ ટૂનૉમેન્ટના ઈતિહાસમાં રમાયેલી સૌથી લાંબી ફાઇનલનો વિક્રમ પણ તોડ્યો હતો. આ ઉપરાંત કોઇ પણ ગ્રાન્ડસ્લેમની સૌથી લાંબી ચાલેલી ફાઇનલનો પણ વિક્રમ તૂટ્યો હતો.
૧૯૮૮ના યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમમાં મેટ્સ વિલાન્ડર તથા ઇવાન લેન્ડલ વચ્ચે ચાર કલાક અને ૫૪ મિનિટ સુધી ફાઇનલ રમાઇ હતી. નાદાલ અને જોકોવિચ વચ્ચે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ પાંચ કલાક અને ૫૩ મિનિટ સુધી રમાઇ હતી જે હવે એક નવો વિક્રમ છે. અગાઉ ૨૦૦૯ના ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં નાદાલ અને ફનૉન્ડો વડૉસ્કો વચ્ચે પણ પાંચ કલાક અને ૧૪ મિનિટ સુધી મુકાબલો થયો હતો.
ચોથા સેટની આઠમી ગેમમાં નાદાલે ત્રણ વખત બ્રેક પોઇન્ટ બચાવ્યા બાદ બંને ખેલાડીઓને વરસાદના કારણે બ્રેક લેવાની ફરજ પડી હતી. ત્યારબાદ નાદાલે ચોથો સેટ ૭-૬થી જીતીને ફાઇનલ પાંચમા અને નિર્ણાયક સેટ સુધી ખેંચી હતી. અંતિમ સેટમાં ૩-૪થી પાછળ રહ્યા બાદ નાદાલની પાંચ મિનિટમાં ૦-૪૦ના સ્કોર સાથે પીછેહઠ થઇ હતી પરંતુ તેણે ઝંઝાવાતી ત્રણ સર્વિસ કરીને મુકાબલામાં પરત ફરવાનો પ્રયાસ કર્યો હતો. સેન્ટ્રલ મેલબોર્નમાં વરસાદનું વિઘ્ન નડતા રોડ લેવર એરિના કોર્ટના રૂફ બંધ કરવામાં આવ્યા હતા અને બંને ખેલાડીઓને કેટલાક સમય માટે કોર્ટની બહાર જવાની ફરજ પડી હતી.