- આઈપીએલ : કિંગ્સ ઈલેવનના ત્રણ સહમાલિકોએ બેલેન્સશીટ અને વાર્ષિટ રિટર્ન ફાઈલ નહીં કરતા ફરિયાદ
આઈપીએલની કિંગ્સ ઈલેવન, પંજાબ ટીમના સહમાલિકો પ્રીટિ ઝિન્ટા, અગ્રણી ઉદ્યોગપતિ નેસ વાડિયા અને મોહિત બર્મન સામે અહીંની સ્થાનિક અદાલતે શનિવારે ધરપકડ વોરંટ જારી કર્યું છે.
આ ત્રણેય સેલિબ્રિટી વિરુદ્ધ બેલેન્સશીટ અને વાર્ષિક રિટર્ન દાખલ નહીં કરવાનો કેસ થયેલો અને આ સંદર્ભે કોર્ટે તેમને હાજર રહેવા જણાવ્યું હોવા છતાં તેમણે કોર્ટના હુકમનો અનાદર કરવાથી તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
ચંદીગઢની સ્થાનિક અદાલતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે. એસ. સિધુએ પ્રીટિ ઝિન્ટા, નેસ વાડિયા અને મોહિત બર્મન સામે જામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે.
આઈપીએલની પંજાબની ટીમના આ ત્રણેય સહમાલિકો કે તેમના વકીલો રજિસ્ટ્રાર ઓફ કંપની દ્વારા દાખલ થયેલી ફરિયાદ સંદર્ભે કોર્ટમાં હાજર નહોતા થયા.
જોકે અન્ય એક સહમાલિક અને અગ્રણી ઉદ્યોગપતિ કરણ પૌલના વકીલ કોર્ટમાં હાજર રહ્યા હતા અને કેસની આગામી સુનાવણી વખતે પણ તેમના પ્રતિનિધિ હાજર રહેશે તેમ જણાવ્યું હતું. ત્રણેય સેલિબ્રિટી સામે વોરંટ જારી કર્યા બાદ કેસની સુનાવણી ચોથી ઓક્ટોબર સુધી સ્થગિત રાખવામાં આવી હતી.
ઝિન્ટાનો ઇનકાર
મુંબઇ : ચંદીગઢની કોર્ટે શનિવારે આઈપીએલની કિંગ્સ ઇલેવન, પંજાબની સહમાલિક અને અભિનેત્રી પ્રીટિ ઝિન્ટા સામે જામીનપાત્ર ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું પરંતુ અભિનેત્રીએ આ બાબતનો ઇનકાર કરી દીધો હતો અને પોતાનાં ટ્વિટર પર જણાવ્યું હતું કે મારી પર કોઈ સમન્સ જારી કરાયું નથી.