કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર દેખાવ કરનારા ભારતીય તીરંદાજો માટે સરકારે લંડન ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને ૨.૭૭ કરોડ રૂપિયાની સહાય કરી છે. ભારતના ૧૪ તીરંદાજો અને તેમના કોચ તથા અન્ય સ્ટાફ માટે સરકારે ૨.૭૭ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
લંડન ગેમ્સ માટે શરૂ કરાયેલી વિશિષ્ઠ સ્કીમ હેઠળ આ રકમની ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩૦૫ દિવસના ગાળા માટે કેમ્પ યોજાઈ ગયા છે અને તેમાંથી ૫૦ દિવસ સુધી ખેલાડીઓને વિદેશમાં તાલીમ મળી છે. આ માટે વિદેશી કોચ પાછળ ૧.૭૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
શરૂઆતમાં ભારતના ૬૪ (૩૨ મેન્સ, ૩૨ વિમેન્સ)તીરંદાજને તાલીમ અપાઈ હતી જેમાંથી અંતે આઠ મેન્સ અને છ વિમેન્સ એમ ૧૪ ખેલાડીની આખરી યાદી તૈયાર કરવામાં આવી હતી.