દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી વન ડેમાં યુસુફ પઠાણે જે રીતે બેટિંગ કરી તે જોઈને તે ભારત માટે મેચ વિનર સાબિત થઈ શકે છે તે વાત સાબિત થઈ ગઈ છે.
વર્લ્ડકપ માટેની ટીમની પસંદગી થયા બાદ મેચ વિનિંગ ઈનિંગ્સ રમીને યુસુફે પસંદગીકારોના નિર્ણયને યોગ્ય સાબિત કરી દીધો છે. ત્રીજી વન ડેમાં પોતાના ઓલ-રાઉન્ડ પ્રદર્શનને કારણે યુસુફને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ઓલ-રાઉન્ડરની ભૂમિકામાં ફિટ
ટીમ ઈન્ડિયાની ઓલ-રાઉન્ડરની શોધ પૂરી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પહેલા બોલિંગમાં 4 ઓવરમાં ફક્ત 27 રન આપીને યુસુફે મહત્વની એક વિકેટ લીધી હતી. બાદમાં બેટિંગમાં 59 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. મોર્ને મોર્કેલ અને ડેલ સ્ટેઈનની ઘાતક બોલિંગનો સામનો કર્યા બાદ જોહાન બોથાની એક ઓવરમાં ત્રણ છગ્ગા ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા કે તે વર્લ્ડકપ દરમિયાન કોઈ પણ બોલરોનો સામનો કરવા માટે તૈયાર છે.
પઠાણે 50 બોલમાં 59 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી જેમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ છે. જે પિચ પર અન્ય બેટ્સમેનોને રન બનાવવામાં તકલીફ થઈ ત્યાં પઠામે આક્રમણ બેટિંગને પોતાનું હથિયાર બનાવીને મેચની બાજી પલટી નાખી હતી. 100 રનની અંદર પાંચ બેટ્સમેનો આઉટ થયા બાદ ભારતની જીતની આશાઓ ધૂંધળી થવા લાગી હતી પરંતુ પઠાણે રૈના સાથે મળીને 75 રનની ભાગીદારી નોંધાવી ટીમને મેચમાં પાછી લાવ્યો હતો.