લંડન ઓલિમ્પિક્સમાં શૂટર્સ પાસેથી ઊજળી આશા

૧૩ ઇવેન્ટમાં ભારતના ૮૧ ખેલાડીઓ ભાગ લેશે શૂટિંગ રેન્જમાં ભારતના ૧૧ નિશાનબાજ મેડલ પર નિશાન તાકશે
અમદાવાદ : ભારતે ૧૧૨ વર્ષના ઇતિહાસમાં માત્ર ૨૦ ગોલ્ડ મેડલ જ જીત્યા છે. આ ૨૦માંથી બે (એક ગોલ્ડ તથા એક સિલ્વર) શૂટિંગના નામે નોંધાયા છે. અભિનવ બિન્દ્રાએ બેઇજિંગ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ તથા રાજ્યવર્દન રાઠોરે ૨૦૦૪ની એથેન્સ ઓલિમ્પિક્સમાં સિલ્ વર મેડલ જીત્યો હતો. લંડન ઓલિમ્પિક્સમાં અત્યાર સુધી આપણી સૌથી મોટી ટુકડી (૧૩ રમતોમાં ૮૧ ખેલાડીઓ) ભાગ લઇ રહી છે.
ઓલિમ્પિક્સમાં ૧૧ શૂટર્સ મેડલ પર નિશાન સાધવા માટે શૂટિંગ રેન્જ પર ઊતરશે. શૂટિંગ એક જ એવી રમત છે જેમાં ભારત મજબૂત છે અને આ ઇવેન્ટમાં આપણે એક કરતાં વધુ મેડલ જીતવાની આશા રાખી શકીએ છીએ. ચેમ્પિયન અભિનવ બિન્દ્રા, ગગન નારંગ, રંજન સોઢી તથા માનવજીતસિંહ સંધૂ દેશ માટે મેડલની મોટી આશા છે. શૂટિંગના મેડલના દાવેદારો પર એક નજર :
અભિનવ બિન્દ્રા
બેઇજિંગ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રા પાસેથી દેશને આ વખતે સૌથી વધારે આશા છે. બિન્દ્રા દસ મીટર એર રાઇફલમાં દેશને મેડલ અપાવવાનો લક્ષ્યાંક રાખશે. તેણે ૨૦૧૧ની મ્યૂનિચ (જર્મની)માં થયેલા શૂટિંગ વર્લ્ડ કપ દ્વારા લંડન ગેમ્સ માટે ક્વોલિફાઇ કર્યું હતું. ઓલિમ્પિક ગોલ્ડ ઉપરાંત બિન્દ્રાના નામે વર્લ્ડ કપ, કોમનવેલ્થ તથા વર્લ્ડ ચેમ્પિયનશિપના ગોલ્ડ મેડલ પણ છે.
ગગન નારંગ
ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કરનાર પ્રથમ શૂટર ગગન નારંગ ૧૦ મીટર એર રાઇફલ તથા પ૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં નિશાન તાકશે. તેના નામે પરફેક્ટ ૬૦૦નો વર્લ્ડ રેર્કોડ નોંધાયેલો છે. નારંગે કોમનવેલ્થ (૨૦૦૬) તથા દિલ્હી કોમનવેલ્થ (૨૦૧૦)માં ૪-૪ ગોલ્ડ પોતાના નામે કર્યા હતા. નારંગે મ્યૂનિચમાં ૨૦૧૦ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યું હતું.
રંજન સોઢી
બેઇજિંગમાં આઇએસએસએફ વર્લ્ડ કપ (૨૦૧૧) દ્વારા ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કરનાર સોઢી ડબલ ટ્રેપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ૨૦૧૧માં પોતાના ટાઇટલનું સફળ રીતે રક્ષણ કરનાર તે પ્રથમ ભારતીય શૂટર બન્યો હતો. સોઢી વર્લ્ડ કપનો પણ ગોલ્ડ મેડાલિસ્ટ છે. તેણે એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેળવ્યો હતો અને તેની ગણતરી વિશ્વના ટોચના શૂટર્સમાં થાય છે. સોઢી કોરિયન શૂટર્સને મજબૂત પડકાર ફેંકશે.
માનવજીતસિંહ સંધૂ
એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીતીને માનવજીતે ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કર્યું છે. સતત ત્રીજા ઓલિમ્પિક્સમાં ભાગ લઇ રહેલા માનવજીતે વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ જીત્યો હતો. ટ્રેપ શૂટિંગ કરનાર માનવજીત ઓલિમ્પિક્સમાં પણ ગોલ્ડ જીતવાની ક્ષમતા ધરાવે છે. ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત માનવજીત કોમનવેલ્થમાં પણ ગોલ્ડ હાંસલ કરી ચૂક્યો છે.






