દક્ષિણ આફ્રિકામાં સંપન્ન થયેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ચોથા સ્થાને રહેનારી ઉરૂગ્વેની ફૂટબોલ ટીમ સ્વદેશ પરત ફરતા તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમના સ્વાગત માટે હજારોની સંખ્યામાં પ્રશંસકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને કાતિલ ઠંડીની પણ અવગણના કરીને તેઓ કલાકો સુધી પોતાના ફૂટબોલ સ્ટારની વાટ જોતા રહ્યા હતા.
રાષ્ટ્રપતિ જોસ મુજીકાએ વર્લ્ડ કપમાં ટીમના શાનદાર પ્રદર્શન માટે રાજધાનીમાં ટીમનું સન્માન કર્યુ હતું અને ખેલાડીઓની પ્રશંસા કરી હતી. ઉરૂગ્વેના કોચે પ્રશંસકોને સંબોધિત કરતા કહ્યું હતું કે અમે વર્લ્ડ કપમાં પહોંચ્યા પરંતુ કોઈને પણ આશા નહોતી કે અમે આટલા આગળ વધી જઈશું. ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દેશને ગૌરવ અપાવ્યું છે.
બે વખત ચેમ્પિયન રહેલી ઉરૂગ્વેની ટીમ અંતિમ ચારમાં પહોંચીને અપસેટ સર્જ્યો હતો. છેલ્લા ચાર દાયકામાં ટીમનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.