કેટલાય એવા સ્ટાર રમતા હતા જેના પર તેમની ટીમે ખૂબ જ વિશ્વાસ મૂક્યો હતો, પણ તેઓ ટીમ માટે મેચવિનર નાયક ન બની શક્યા. ક્લબ ફૂટબોલના આ મહારથીઓ વર્લ્ડ કપમાં દેશ વતી રમતી વખતે સાવ ફિક્કા સાબિત થયા. ખાસ કરીને રૂની અને કાકાએ નિરાશ કર્યા.
રૂની
ઇંગ્લેન્ડના આ તેજતર્રાર સ્ટ્રાઇકરે વર્લ્ડ કપમાં ખૂબ જ નિરાશ કર્યા. તે પ્રભાવશાળી પ્રદર્શન ન કરી શક્યો. વર્ષ દરમિયાન પ્રોફેશનલ ક્લબોની મેચોમાં ધૂમ મચાવનારા અને મીડિયામાં હંમેશા ચમકતા રહેતા આ યુવા ખેલાડી વિષે એવું કહેવાય છે કે વર્ષ ૨૦૧૪મા વર્લ્ડ કપમાં તે ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. ગયા વર્લ્ડ કપમાં પણ તેણે નિરાશ કર્યા હતા. ચાર વર્ષ પછી ઉંમર વધતાં ટીમમાં તે સ્થાન સુરક્ષિત રાખી શકશે કે કેમ તે અંગે શંકા છે.
કાકા
આ વર્લ્ડ કપમાં બ્રાઝિલનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું. ટીમના સ્ટાર ખેલાડીઓ હોવા છતાં કાકા ન તો ગોલ કરી શક્યો અને ન તો સાચી રીતે પ્લેમેકરની ભૂમિકા નિભાવી શક્યો. એટલું જ નહિ પણ મેદાન પર અશિસ્ત બદલ તેને એક મેચમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કાકાએ હાર બદલ દોષનો ટોપલો કોચ પર ઢોળી દીધો, પણ તે ટીમમાં પહેલા ખેલાડી હતા જેણે કોચ ડુંગાની ડિફેન્સિવ રણનીતિને સાચી ઠેરવી હતી. હવે સમય આવી ગયો છે કે તેણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લઇ લેવો જોઇએ.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
પોર્ટુગલના આ સુપરસ્ટાર ખેલાડીને જાણે કાટ લાગી ગયો છે. વિશ્વના સૌથી ધનવાન ગણાતા આ ખેલાડીથી ગોલ જ નથી થતા. વર્ષભર મીડિયામાં ચમકનારા આ સ્ટાર છેલ્લા દોઢ વર્ષથી ગોલ માટે તરસી રહ્યો છે. ગોલ નહિ કરવાના કારણે રોષે ભરાયેલા રોનાલ્ડોએ વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદની પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે સારો વ્યવહાર પણ નહોતો કર્યો. તે અગાઉ મેચ હારીને પાછા ફરતી વખતે તેણે કેમેરામેન સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. રોનાલ્ડોને આ વ્યવહાર બદલ પોર્ટુગલવાસીઓનું સમર્થન નથી. દેશના નાગરિકોનું કહેવું છે કે તેને ટીમમાંથી કાઢી મૂકવો જોઇએ. ૨૫ વર્ષીય રોનાલ્ડોએ ગયા વર્ષે ૪૨ ગોલ નોંધાવ્યા હતા અને ફિફાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર થયો હતો.
સિઝર
આ ગોલકીપરની ઉપસ્થિતમાં બ્રાઝિલે ચાર ગોલનો સામનો કરવો પડ્યો. વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન જોઇને એમ નહોતું લાગતું કે તે ટીમની ‘અંતિમ દીવાર’ છે. ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામેના પરાજયમાં તેનું ખરાબ ગોલરક્ષણ પણ એક ખૂબ જ મોટું કારણ છે. ગયા વર્લ્ડ કપમાં બહાર બેઠનારા આ ખેલાડી પર કોચ ડુંગાએ વધુ પડ્તો વિશ્વાસ મૂક્યો, પણ હવે તેણે ટીકાનો સામનો કરવો પડે છે. ડુંગાએ રાજીનામું આપી દીધું છે અને જુલિયા સીઝરની હકાલપટ્ટી પણ લગભગ નક્કી છે.
લિયોનેલ મેસ્સી
લિજેન્ડરી ફૂટબોલર ડિએગો મારાડોનાનો બીજો અવતાર માનવામાં આવતા આર્જેન્ટિનાનો જ સ્ટાર સ્ટ્રાઈકર લિયોનેલ મેસ્સી આ ફૂટબોલમાં કોઈ કમાલ દેખાડી શક્યો નથી. આ વખતના વર્લ્ડ કપમાં મેસ્સીને એક પણ ગોલ નોંધાવ્યા વગર જ સ્વદેશ પરત ફરવું પડ્યું છે. જો કે તેણે ઘણી પ્રભાવશાળી રમત દાખવી હતી પરંતુ ગોલ નોંધાવી શક્યો નહોતો.