સ્પેનના એક બિઝનેસમેને તેનો દેશ ફિફા વર્લ્ડ કપ 2010ની ફાઈનલ મેચ જીતીને ચેમ્પિયન બનશે તેવી ભવિષ્યવાણી કરનારા પોલ ઓક્ટોપસને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે ઓક્ટોપસ માટે 38,000 ડોલરની કિંમત લગાવી છે.
બિઝનેસમેને કહ્યું છે કે પોલ ઓક્ટોપસને ઉત્તરપશ્ચિમ સ્પેનમાં આયોજીત થનારા વાર્ષિક ઓગસ્ટ મહોત્સવ દરમિયાન લોકોનો દેખાડવા માંગે છે. પોલને સ્પેન લાવવાનો વિચાર ઓરેન્સી શહેરના મેયર કાર્લોસ મોટેસે આપ્યો હતો. તેમનું માનવું છે કે બાબા ઓક્ટોપસ ઓગસ્ટ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભીડ ખેંચી લાવવામાં સફળ રહેશે.
હાલમાં પોલ જર્મનીના ઓબેરનહાઉસની સી લાઈફ એક્વેરિયમમાં રહે છે. તેણે ફિફા વર્લ્ડ કપમાં કરેલી અત્યાર સુધીની તમામ ભવિષ્યવાણી સાચી પડી છે. આ જ કારણે પોલ ઓક્ટોપસ દુનિયાભરમાં ચર્ચામાં રહ્યો છે. માછલીનો વ્યાપાર કરતા સ્પેનના આ વ્યવસાયી પાસે 14,000 જીવ જંતુઓનો મોટો સંગ્રહ છે. બિઝનેસમેન મેનુએલ પાજોએ કહ્યું હતું કે અમે પોલને ખોવા નથી માંગતા.
પાજોએ કહ્યું હતું કે જો જર્મની તેને પોલ ઓક્ટોપસને આપવાનો ઈનકાર કરશે તો તે તેને કેટલાક સમય સુધી લોન પર લેવા ઈચ્છશે જેથી તે ઓગસ્ટ મહોત્સવમાં લોકોને દેખાડી શકે. પોલે શુક્રવારના રોજ ભવિષ્યવાણી કરી હતી કે સ્પેન આ વર્ષે ફૂટબોલ ચેમ્પિયન બનશે.