નેધરલેન્ડ્સ બીજા ક્રમાંકે, ઇટાલી ટોપ ૧૦માંથી અને ફ્રાન્સ ટોપ ૨૦ ટીમમાંથી બહાર
ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં નેધરલેન્ડ્સને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનેલી સ્પેનની ટીમ વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકની ટીમ બની ગઇ છે જ્યારે રનર્સઅપ બનેલી નેધરલેન્ડ્સની ટીમ બીજા ક્રમાંકે આવી ગઇ છે. ફિફાએ બહાર પાડેલા નવા રેન્કિંગમાં સ્પેને ૧૮૮૩ પોઇન્ટ સાથે ફરીથી ટોચનું સ્થાન મેળવ્યું છે. કેટલાક મહિના પહેલાં બ્રાઝિલે સ્પેનને પાછળ રાખીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે બ્રાઝિલની ટીમ ૧૫૩૬ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને સરકી ગઇ છે.
નેધરલેન્ડ્સ ૧૬૫૯ પોઇન્ટ સાથે ચોથા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગઇ છે. આ વર્લ્ડ કપમાં ચોથું સ્થાન મેળવનાર ઉરૂગ્વેની ટીમે હરણફાળ ભરીને ૧૬મા સ્થાનેથી સીધું છટ્ટું સ્થાન મેળવ્યું છે. આ રેન્કિંગ ભૂતપૂર્વ ચેમ્પિયન ઇટાલી અને ફ્રાન્સ માટે સૌથી નિરાશાજનક રહ્યા છે.
આ બંને ટીમો વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી શકી નહોતી. ઇટાલી ટોચની દસ ટીમોમાંથી બહાર થઇ ગયું છે જ્યારે ફ્રાન્સી ટીમ ટોપ ૨૦માંથી આઉટ થયું છે. ઇટાલી ૧૨મા તથા ફ્રાન્સ ૨૧મા સ્થાને છે. ફિફા વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાને રહેલી જર્મનીની ટીમ વર્લ્ડ રેંન્કિંગમાં ચોથા સ્થાને છે. ગ્રીસની ટીમને નવમો ક્રમાંક મળ્યો છે ચિલીની ટીમ ૧૦ ક્રમે છે.