ચાલો, ૨૦૧૦ના વર્લ્ડનો ઉન્માદ, બુખાર-ફિવર જે કહો એ હવે ધીમે ધીમે નોર્મલ થવા લાગ્યું છે. હજી તો વિજેતા ટીમ સ્વદેશ પાછી પણ નહોતી ફરી તે પહેલાં જ હવે પછીના એટલે કે ૨૦૧૪ના સોકર વર્લ્ડ કપના વુવુઝેલાઓ વાગવા માંડ્યા છે.
રસિકજનો જાણે છે તેમ આગામી વર્લ્ડ કપનું યજમાનપદું બ્રાઝિલ કરવાનું છે. આ નિમિતે ૧૦ જુલાઇએ બ્રાઝિલના ટુરિઝમ ડિપાર્ટમેન્ટે સત્તાવાર રીતે પોતાના કેમ્પેઇનને ખૂલ્લું મૂક્યુ. આ કેમ્પેઇનને નામ અપાયું છે: ‘ઓ બ્રાસિલ તે ચામા, સેલિબ્રે અ વિદા એક્વિ’ (અથૉત્ બ્રાઝિલ તમને પોકારે છે, અહીં આવો અને જીવનની મજા માણો).
આ કેમ્પેઇનમાં બ્રાઝિલનો જય જયકાર કરતી બે શોર્ટ ફિલ્મો પણ રિલીઝ કરવામાં આવી. જેમાંની એક વર્લ્ડ કપના ફાઇનલ પછી પ્રસારિત કરવામાં આવી અને બીજી આ સોમવારથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થઇ છે.
વર્લ્ડ કપ નાણાંનો કેવો જબ્બર પ્રવાહ ઠાલવે છે, એ જુઓ. બ્રાઝિલે કહ્યું છે કે આવનારા ચાર વર્ષમાં બ્રાઝિલના ટુરિઝમમાં આઠસો મિલિયન ડોલર રોકવામાં આવશે. સારુ ત્યારે, જશ્ન હો!