ગાંધીજીએ ફૂટબોલ ક્લબો સ્થાપી હતી, વુવુઝેલાની માગ વધી પણ પુરવઠો ખલાસ
૨૦૧૦ના ફૂટબોલ વર્લ્ડ કપમાં શુક્રવારે બ્રાઝિલ અને પોર્ટુગલ વચ્ચેની મેચ સ્થાનિક સમય પ્રમાણે સાંજે ૪.૦૦ કલાકે શરૂ થવાની હતી પરંતુ મેચના ત્રણેક કલાક અગાઉ સ્ટેડિયમ સુધી પહોંચવામાં અને સ્ટેડિયમમાં પ્રવેશવામાં જે ભીડ અને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો તેના પરથી જ ખ્યાલ આવી ગયો કે અહીં ફૂટબોલનો ક્રેઝ કેવો છે.
માત્ર વર્લ્ડ કપ જ નહીં પરંતુ કોઈ પણ ફૂટબોલ મેચમાં સમગ્ર સાઉથ આફ્રિકામાં આવો જ ક્રેઝ જોવા મળે છે અને આ રમત અહીં સૌથી લોકપ્રિય છે તે જાણીને જોન્ટી રોડ્ઝ કે શૌન પોલોક કે બેરી રિચાર્ડ્સ જેવા ક્રિકેટરના પ્રશંસક તરીકે નવાઈ તો લાગે પણ રોમાંચ તો ત્યારે થયો જ્યારે એ જાણવા મળ્યું કે આ ક્રેઝ પાછળ ભારતીયોનું યોગદાન છે.
હા, વાત સાચી છે કે સાઉથ આફ્રિકામાં ફૂટબોલની રમતની શરૂઆત ભારતીયો દ્વારા થઈ હતી. મહાત્મા ગાંધીએ એક જમાનામાં આફ્રિકામાં ફૂટબોલ ક્લબો સ્થાપી હતી પરંતુ ૧૯૪૦ના દાયકાની આસપાસ વર્લ્ડ કપનો પ્રારંભ થયો એ પછી આ દેશમાં ફૂટબોલનો ક્રેઝ જાગ્યો અને તેમાં ભારતથી અહીં આવીને વસેલાઓનો ફાળો ઘણો મોટો હતો. ધીરે ધીરે મૂળ આફ્રિકન પ્રજા પણ ફૂટબોલમાં રસ લેવા માંડી અને આજે એ સમય આવી ગયો છે જ્યારે સાઉથ આફ્રિકા ફૂટબોલના મહાકુંભનું આયોજન કરવા જેટલું સક્ષમ બની ગયું છે અને સફળતાપૂર્વક આયોજન કરી રહ્યું છે.
ફેવરિટ બ્રાઝિલની ટીમ ડરબન સ્ટેડિયમમાં પ્રવેશે એ અગાઉ વુવુઝેલા સાથે પ્રેક્ષકોનું આગમન થઈ ગયું હતું. વુવુઝેલાનો અવાજ અને સતત ગુંજથી ખેલાડીઓને પણ તકલીફ પડે છે તેવી હવે ફરિયાદ થઈ રહી હોય પરંતુ હકીકત એ છે કે તેની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે.
ચાઇનીસ બનાવટની વુવુઝેલા ખરીદવા માટે પણ લાઈન લાગેલી જોવા મળી ત્યારે ખબર પડી કે તેના ઉત્પાદકો પાસે હવે વધુ વુવઝેલાનો સ્ટોક જ નથી અને તેઓ વધારે ઉત્પાદન કરી શકે તેમ પણ નથી. આમ વુવુઝેલાનો પુરવઠો ખલાસ થઈ રહ્યો છે અને તેની માગ વધી રહી છે.વર્લ્ડ કપમાં શનિવારથી પ્રિ ક્વાર્ટર ફાઇનલની શરૂઆત થઈ રહી છે ત્યારે વુવુઝેલા કેવો રંગ લાવે છે તે જોવાનું રહેશે.