હવે આપણે (ભારત) પણ ફૂટબોલના વર્લ્ડ કપનું આયોજન કરી શકીએ છીએ, જો સાઉથ આફ્રિકા કરી શકતું હોય તો આપણે કેમ નહીં ? આપણી પાસે શું નથી ! છથી સાત મોટાં શહેરની જરૂર છે જે આપણી પાસે ઘણાં છે. ઓછામાં ઓછા સાઉથ આફ્રિકાનાં શહેરો કરતાં તો મોટાં જ છે. આયોજન માટે સ્ટેડિયમની જરૂર પડે છે જે પણ આપણી પાસે છે, માત્ર મરામતની જરૂર છે. આ લોકોએ તો સોકર સિટી સ્ટેડિયમને નવેસરથી બનાવ્યું હતું. રસ્તાઓ સરખા કરવામાં તો આપણે નિષ્ણાત છીએ. એક મહિના સુધી ઉપયોગી બની શકે તેવી સડકો તો આપણે ઊંઘમાં પણ બનાવીએ છીએ, રહી વાત સ્ટેડિયમની, તો એક-દોઢ મહિના સુધી તેના લોખંડના સિળયા વાંકા પણ નહીં વળે.
સાઉથ આફ્રિકાએ બતાવી આપ્યું છે કે વર્લ્ડ કપ કરવો તે કોઈનો વારસો નથી. એક વખત જો નક્કી કરી નાખવામાં આવે તો આયોજન થઈ જ જાય છે. વર્લ્ડ કપ પણ લગ્નનાં આયોજન જેવું હોય છે. લગ્નમાં તમામ લોકો વખાણ કરતાં હોય છે પરંતુ પૂરાં થઈ ગયા બાદની પરિસ્થિતિ અલગ હોય છે. આમ પણ લગ્નમાં ખાવાનું સારું હતું તેવું કહેવાનો રિવાજ હોય છે.
પહેલાં એવું લાગતું હતું કે ફૂટબોલના વર્લ્ડ કપનું આયોજન ગણતરીના દેશો જ કરી શકે છે અને ટ્રોફીને જીતવી તે અડધો ડઝન દેશોની જ શક્તિ હતી. નવા દેશમાં રમાડવાથી નવા વિજેતા પણ બહાર આવે છે તે આ વર્લ્ડ કપથી સાબિત થઈ ચૂક્યું છે. મોટી ટીમ અહીંથી હારીને ગઈ હોય તો તેનો જશ પણ સાઉથ આફ્રિકાને મળવો જોઈએ.
જો ભારતને વર્લ્ડ કપની યજમાની મળે તો આપણને ફાયદો થાય તેમ છે, કારણ કે વિશ્વની શક્તિશાળી ૩૨ ટીમમાં આપણને સ્થાન મળી જશે. આપણને વર્લ્ડ કપમાં રમવાની તક પણ મળશે અને પ્રથમ મેચ પણ આપણે જ રમવાની રહેશે. આપણે જીતી તો નહીં શકીએ પરંતુ હારીશું પણ નહીં, કારણ કે યજમાન ટીમને ક્યારેય પ્રથમ રાઉન્ડમાં હારવા દેવામાં આવતી નથી.