રવિવારના રોજ જોહનીસબર્ગના સોકર સિટી ખાતે સ્પેન અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી ફિફા વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન એક પ્રશંસક જ્યાં ફિફાની સોનાની બનેલી ટ્રોફી રાખવામાં આવી હતી ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યાં આવીને તેણે ટ્રોફીના સુરક્ષા ઘેરાને તોડીને ટ્રોફી પર પોતાની ટોપી ફેંકવા જતા ત્યાં હાજર રહેલા સુરક્ષા જવાને તેને એક જ મુક્કામાં ચત્તોપાટ કરી દીધો હતો.
બાર્સેલોનાનો જિમ્મી જમ્પ તરીકે જાણીતો જૌમે માર્ક્વોટ કોટ નામનો સમર્થક ટ્રોફી રાખવામાં આવી હતી તે સ્થળ સુરક્ષા ઘેરાને તોડીને ટ્રોફી પાસે પહોંચી ગયો હતો. જો કે તે કંઈ પણ આડીઅવળી હરકત કરે તે પહેલા જ તેને એક સુરક્ષા જવાનનો જબરદસ્ત મુક્કો પડતા જ તે ત્યાં જ જમીન પર પટકાઈ ગયો હતો.
આ ઘટના બાદ ફિફા ટ્રોફીને અંદર લઈ જવામાં આવી હતી અને તેને તાળામાં બંધ કરી દેવામાં આવી હતી.
આ પહેલા પણ તે પ્રશંસક સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ, ધ યુરોવિઝન સોંગ કોમ્પિટિશન અને યુરોપિયન ફૂટબોલની ટોચની મેચોમાં પણ આવી જ રીતે સલામતિ તોડી ચૂક્યો છે.