નેધરલેન્ડ્સના ખેલાડીઓનો આક્ષેપ, ઇંગ્લેન્ડના રેફરીએ સ્પેનની તરફેણ કરી હતી
સાઉથ આફ્રિકા ખાતે રમાયેલા વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલા પરાજય બાદ નેધરલેન્ડ્સના સ્ટાર ખેલાડીઓ રોબેન અને નાઇઝેલ ડી જોંગ ઇંગ્લેન્ડના રેફરી હાવર્ડ વેબ પર ખફા થયા હતા. ડચ ટીમના હેઇટિંગને બીજું યલો કાર્ડ મળતાં તેણે એક્સ્ટ્રા ટાઇમમાં મેદાન છોડવું પડ્યું હતું. આ ઉપરાંત નેધરલેન્ડ્સના સાત ખેલાડીઓને યલો કાર્ડ આપવામાં આવ્યાં હતાં. રોબેને કાર્લોસ પ્યુયોલને કાર્ડ નહીં આપવાના કારણે રેફરીની ઝાટકણી કાઢી હતી.
નિર્ધારિત સમયની સાત મિનિટ પહેલાં રોબેનનો શોટ રોકવા માટે પ્યુયોલે હાથનો ઉપયોગ કર્યો હતો અને સ્પેનિશ ગોલકીપર ઇકર કેલિસાસે સ્ટ્રાઇકરનો રસ્તો રોકયો હતો. રોબેને જણાવ્યું હતું કે અમે ડ્રેસિંગરૂમમાં રેફરીના કેટલાક નિર્ણય અંગે ચર્ચા કરી હતી. કેટલાક નિર્ણય પર હજુ વિશ્વાસ થતો નથી પરંતુ હવે આ બાબતે ચર્ચા કરવી બેકાર છે.
પ્યુયોલને અગાઉ યલો કાર્ડ મળી ચૂક્યું છે અને જો રોબેન માટે અંતરાય ઊભો કરવા માટે તેને બીજું કાર્ડ મળ્યું હોત તો તે મેદાનની બહાર થઇ ગયો હોત અને રોબેનનો ગોલ થઇ ગયો હોત. સ્પેનના ઝાબી અલાન્સોની છાતી પર પ્રહાર કરનાર જોંગે જણાવ્યું હતું કે રેફરીના મોટા ભાગના નિર્ણય સ્પેનની તરફેણમાં ગયા હતા. તેમ છતાં રેફરીને દોષ દેવો ઘણું આસાન હોય છે.
કેટલાક મહત્વના નિર્ણય અમારી વિરુદ્ધમાં ગયા હતા. આ ફાઇનલ હોવાથી બંને ટીમો જીતવા માટે આતુર હતી. જિંદગીમાં આવી તક વારંવાર આવતી નથી.
ઇંગ્લેન્ડના રેફરી હાવર્ડએ સાઉથ આફ્રિકા ખાતે રમેલા વર્લ્ડ કપ દરમિયાન કેટલીક ભૂલો કરતા ફિફાને આગામી વર્લ્ડ કપમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની ફરજ પડે તેવી સંભાવના છે.