- 16 વર્ષે ટેસ્ટ સદી ફટકારવાની સિદ્ધિથી વંચિત રહ્યો હતો સચિન
- જો કે 17 વર્ષ 107 દિવસે તો સચિને ફટકારી હતી પ્રથમ ટેસ્ટ સદી
હાલમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વનડે અને ટેસ્ટમાં મળીને કુલ 99 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ચૂક્યો છે. જો કે તેણે પોતાની સદીઓની સદી માટે થોડી વધારે જ રાહ જોવડાવી છે પરંતુ ટૂંક સમયમાં તે આ ઈતિહાસ પણ રચી દેશે.
પરંતુ આજના દિવસે એટલે કે 12 ફેબ્રુઆરી 1990ના રોજ સચિન 12 રનથી પોતાની પ્રથમ ટેસ્ટ સદી ચૂકી ગયો હતો. જો કે સચિન 12 રનથી સદી જ નહીં એક મોટો રેકોર્ડ પણ ચૂકી ગયો હતો. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલી તે ટેસ્ટ મેચમાં સચિને સદી ફટકારી દીધી હોત તો 16 વર્ષની વયે ટેસ્ટમાં સદી ફટકારનો તે પ્રથમ બેટ્સમેન બની ગયો હોત.
9થી 13 ફેબ્રુઆરી 1990 દરમિયાન નેપિયરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી તે ટેસ્ટ મેચ અંતે ડ્રો રહી હતી. ટોસ જીતીને ભારતે બેટિંગ લીધી હતી અને પ્રથમ દાવમાં ભારતે 9 વિકેટે 358 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. મનોજ પ્રભાકર 95 રને આઉટ થયો હતો. જ્યારે સચિન 88 રન પર ડેની મોરિસનના બોલે કેચ આઉટ થયો હતો. સચિને 266 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
જો સચિન તેના સ્કોરમાં 12 રન ઉમેરી શક્યો હોત તો 16 વર્ષની વયે ટેસ્ટ સદી ફટકારનારો તે પ્રથમ બેટ્સમેન બન્યો હોત. જો કે સચિને ઓગસ્ટ 1990માં 17 વર્ષ 107 દિવસની ઉંમરે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી દીધી હતી. જો તેણે 16 વર્ષે જ સદી ફટકારી દીધી હોત તો આજે પણ તે રેકોર્ડ સચિનના નામે જ હોત.