- જંગલમવાઇલ્ડ લાઇફ સારી કે વાઇલ્ડ વાઇફ? ડો. રાજેન્દ્ર કે. હાથી, વડોદરા
એ તો તમારે નક્કી કરવાનું. વાઈલ્ડ (જંગલ)માં વાઇફ વાઇલ્ડ થાય તો લાઇફ જામે કે નહીં તેનો અનુભવ લઈ જુઓ.
- મણિરત્નમ મારા હસબન્ડના ફેવરિટ ફિલ્મમેકર હતા, પણ ‘રાવણ’ જૉયા પછી એમને એવો આઘાત લાગ્યો છે કે સાવ સૂનમૂન થઈ ગયા છે અને કયારેક પોક મૂકીને રડી પડે છે. એમને કેવી રીતે નોર્મલ કરવા? હીના પટેલ, વડોદરા
‘રાવણ’ જૉઇને ઘણાની હાલત તમારા હસબન્ડ જેવી થઇ ગઇ છે. એવા બધાને એકઠા કરી સામૂહિક ખરખરો યોજૉ. ઘણા બધાને એકસાથે પોક મૂકતા જૉઇને વેવલા હસબન્ડ સાજા થઇ જશે.
- બ્લોગ કે ટિ્વટ ન લખનારા આજે સેલિબ્રિટી નથી ગણાતા. તમે ઇન્ટરનેટની આ મહાસુવિધાનો સદુપયોગ કરો છો? કવિતા ચોકસી, સુરત
મારી પાસે ઇન્ટરનેટની સુવિધા નથી. હું આ રીતે લિખિત જવાબો આપીને ટિ્વટ-ટિ્વટ કર્યા કરું છું. સેલિબ્રિટી એ માનસિક અવસ્થા છે. કેટલાક એ ભ્રમમાં ઊંઘમાય ટિ્વટ-ટિ્વટ કર્યા કરે છે.
- હમણા પૂરા થયેલા ફૂટબોલ વિશ્વકપની મેચ જૉવા તમે ઉજાગરા કરતા હતા? ઇસ્માઇલભાઈ, ભરૂચ
ના. ઉજાગરા કરવા જેટલી મજા ફૂટબોલમાં આવતી નથી.
- મુંબઈનો ગાંડો વરસાદ અમદાવાદમાં યાદ આવે ત્યારે તમે શું કરો છો? માનવેન્દ્ર જાદવ, મુંબઈ
બાથરૂમનો ફુવારો ચાલુ કરી ઊભો રહું છું.
- ઇન્દિરા ગાંધીએ દેશ પર લાદેલી કલંક સમી કટોકટીને ૩૬ વર્ષ થઇ ગયાં છે. આપણે એમાંથી કશુંય શીખ્યા છીએ ખરા? જિતેન્દ્ર કોડી, ગાંધીનગર
એટલું શીખ્યા કે, એવી મુર્ખામી ફરીથી ન કરવી. જૉ સત્તા ટકાવવી હોય તો.
- મારી મેરિડ લાઈફમાં પ્રોબ્લેમ હતો એટલે મેં મેરેજ કાઉન્સેલર પાસે જવાનું શરૂ કર્યું, પણ હવે હું મારી રૂપાળી કાઉન્સેલરના જ પ્રેમમાં ઊંધેકાંધ પડી ગયો છું. મારે એને કેવી રીત પ્રપોઝ કરવું? એક ભાઈ, અમદાવાદ
તમને કાઉન્સેલર મળી જ ગઇ છે પછી મને શું પૂછો છો? એને જ ઉંધેકાંધ પૂછી નાખવાનું.
- તમે ‘ઊલટા ચશ્માં’ સાથે અને શાહબુદ્દીન રાઠોડ ‘પાપડ પોલ’ સાથે નેશનલ ટીવી પર ચમકી ગયા છો. હવે જયોતીન્દ્ર દવેનો વારો કયારે આવશે? મહર્ષિ જૉષી, કોઇમ્બતુર
જયારે કોઇ નિર્માતાને ટીવી પર સૂક્ષ્મ હાસ્ય દર્શાવવાની સમજ ફૂટશે અને વૃત્તિ જાગશે ત્યારે.
- મારા નવાં નવાં લગ્ન થયાં છે. એક વરસાદી સાંજે મેં પત્નીને કહ્યું: ગરમાગરમ ભજિયાં બનાવ. થાઈ, મેકિસકન ને એવી બધી આઈટમ બનાવવામાં હોશિયાર એવી મારી પત્ની કહે: હું ભજિયાં જેવી ડાઉન-માર્કેટ ડિશ કોઈ દિવસ નહીં બનાવું. અમારી વરચે ઝઘડો થઈ ગયો. હવે મારે ડિવોર્સ લેવા છે. સારા વકીલનું નામ-સરનામું આપશો? પ્રેરક પ્રજાપતિ, અમદાવાદ
સારાં ભજિયાંવાળાનું સરનામું આપી શકું પણ ડાઉન માર્કેટ ડિવોર્સ વકીલોનો મને પરિચય નથી. કોર્ટના કંપાઉન્ડમાં ઊભેલા કાળા કોટવાળાઓમાં તપાસ કરો.
- અમદાવાદ, કોલકાતા, પુણે સહિતનાં ૪૨ વિમાની મથકો સલામતીના જરૂરી પરવાના વગર જ ચાલી રહ્યાં છે. પ્લીઝ, કમેન્ટ. અન્નપૂર્ણા શુકલ, સુરત
દેશમાં જરૂરી પરવાના વગર ઘણું બધું ડિંડવાણું ચાલે છે, નવાઇ ન લાગવી જૉઇએ.
હું લેખક બન્યો તે પહેલા તમારા જેવા માર્ગદર્શક મળ્યા નહોતા. પાબ્લો પિકાસો અમદાવાદમાં જન્મ્યો હોત તો કદાચ મારી પેઠે આવા સવાલનાં જવાબ આપતો હોત.
- મારી સામેના ફલેટમાં રહેતી છોકરીને હું મનોમન પ્રેમ કરું છું, પણ એનો ડોગી મારા ઘરના દરવાજા પાસે રોજ સૂ-સૂ કરી કરી જાય છે. મને બહુ ગુસ્સો આવે છે, પણ છોકરીને કશું કહી શકતો નથી. શું કરવું? મિહિર જાની, મુંબઈ
છોકરી કરતાં ડોગી વધારે સમજદાર લાગે છે. ડોગીને ખુશ રાખવાનો પ્રયત્ન કરો. દરવાજામાં સૂ-સૂ સહન કરો. સહન ન થાય તો છોકરીનાં બારણાંમાં તમે શું કરી શકો છો તેનો વિચાર કરો.