બાળકના જન્મ બાદ સર્વે કુટુંબીજનોને આનંદિત કરતી ત્રણ બાબતો બાળકનું પ્રથમ હાસ્ય, પ્રથમ જાતે ડગલું ભરવું અને પ્રથમ શબ્દ છે. બાળક માટે જાતે ચાલતાં શીખવું તે તેની સ્વતંત્રતાનું પહેલું પગથિયું છે. અત્યાર સુધી બાળક દરેક વસ્તુ જોઇને ખુશ થતું હતું. હવે તેને ગમતી વસ્તુ પાસે તે પહોંચી શકે છે, સ્પર્શી શકે છે, વસ્તુ ચુસે છે અને કદાચ તોડી પણ નાખે છે.
કયા સમયે બાળક ચાલતાં શીખશે?
લગભગ ૮-૧૦ મહિનાની વયે બાળક ચાર પગે અથવા બેઠાં બેઠાં ચારે તરફ ખસવાનું શરૂ કરી જ દે છે. ૧૦થી ૧૨ મહિના દરમિયાન તે ફર્નિચર પકડીને ટેકાથી ચાલવાનું શરૂ કરી દે છે. ૮૦ ટકા બાળકોને ૧૧ થી ૧૫ મહિનાની વચ્ચે જાતે ઊભા થઇને ચાલતાં આવડી જાય છે. ક્યારેક કોઇક બાળકને ટેકાની કે હાથ પકડવાની જરૂર પડી શકે છે. તે સીડીનાં પગથિયાં ચડી જાય છે, પરંતુ ઊતરી નથી શકતું. ૧૫થી ૨૦ મહિનાની વચ્ચે સીડી ચડી જાય છે અને ધીમે ધીમે એક એક પગથિયા પર બેસી સાચવીને ઊતરી પણ જાય છે. ૨૦થી ૩૦ મહિનાની વચ્ચે ઝડપથી ચાલતાં, દોડતાં, ચડતાં-ઊતરતાં અને કૂદકા મારતાં પણ એને આવડી જાય છે.
બાળક ચાલતાં શીખે ત્યારે શું કરવું?
એક કહેવત છે કે બાળક ૧૦૦ વખત પડશે પછી જ બરાબર ચાલતાં શીખશે. તે જ્યાં સુધી જાતે ચાલવાનો પ્રયત્ન કરતું હોય ત્યાં સુધી તેને ચાલતાં શીખવવાનો અથવા તો સહેજ પડી જાય અને તરત ઊંચકી લેવાનો પ્રયત્ન ન કરો. બાળક પડી જાય પછી તરત કુટુંબીજનોના હાવભાવ જુએ છે. જો કુટુંબીજનો ખૂબ ગભરાયેલા હશે અથવા બાળકના પડ્યા બાદ બૂમ પાડી તેને તરત ઊંચકી લેશે તો તે વધુ રડશે. તે એમ જ માની લેશે કે પોતે પડ્યું એ કોઇ મોટી દુર્ઘટના છે. તેના પડ્યા બાદ તેના તરફ એક ક્ષણ પૂરતી નજર નાખી લો કે તેને વધુ વાગ્યું તો નથી ને, લોહી નથી નીકળ્યું ને! પછી તેના તરફ જુઓ જ નહીં.
આમ કરવાથી તે મા-બાપ તરફ જોશે અને મા-બાપના હાવભાવ સામાન્ય હશે તો પડ્યા બાદ થોડીક ક્ષણો રડી ફરી જાતે ચાલવા લાગશે. આના કારણે તેનો આત્મવિશ્વાસ વધશે. જો તેને પડ્યા બાદ વારંવાર ઊંચકી લેશો, તો તે ચાલતાં નહીં શીખે. ઘણા બાળકો થોડું ચાલતાં શીખે પછી ૧૫-૨૦ દિવસ ચાલે જ નહીં તેવી ફરિયાદ ઘણા મા-બાપ કરતાં હોય છે, તેનું આ જ કારણ છે.
બેબીવોકર રાખવું કે નહીં?
બાળક ભાંખોડીયાભેર બરાબર ચાલતાં શીખે પછી જ બેબીવોકર વાપરી શકાય. બાળકને યોગ્ય ઉંમર પહેલાંથી ‘બેબી વોકર’માં ચાલતાં કરવામાં આવે તો તે ભાંખોડીયાભેર ચાલતાં શીખવાના અનુભવથી વંચિત રહે છે. આથી ‘બેબીવોકર’થી ચાલતાં શીખેલાં બાળકોની શરૂઆતના દિવસોની ચાલ અસામાન્ય અને અયોગ્ય હોય છે. ઘણી વખત બાળકના પગ અને ‘બેબીવોકર’ના પૈડા તાલ-મેલ ચૂકી જાય તો બાળક પડી જાય છે.
જેથી તેના શરીર પર નાની-મોટી ઇજાથી માંડી દાંત અને વિકસતા હાડકાં પર ઇજા પણ થઇ શકે છે. મોટા ભાગનાં હાડકાંના સર્જન ‘બેબીવોકર’ બાળકના ચાલવાના વિકાસ પર પ્રતિકૂળ અસર કરે છે તેવો જ મત આપે છે. તે પોતાની રીતે ચાલતા શીખે પછી તેનો સપ્રમાણ ઉપયોગ કરો તો વાંધો નહીં.
ખરેખર, બાળકનું પ્રથમ પગલું મા-બાપના ઉત્સાહ અને જીવનમાં નવા ઉત્સાહ અને જોશનો ઉમેરો કરે છે.