કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ફસ્ર્ટ યર સાયન્સમાં હતો. ૧૯૪૮નું વર્ષ હતું અને અમેરિકામાં ડો. આલ્ફ્રેડ કિનસે નામના સેક્સ વિશારદે ‘સેકસ્યુઅલ બિહેવિયર ઇન હ્યુમન મેલ’ નામનો વિરાટ અભ્યાસગ્રંથ પ્રકટ કર્યો હતો. થોડાં વર્ષોપછી ‘સેકસ્યુઅલ બિહેવિયર ઇન હ્યુમન ફિમેલ’ ગ્રંથ પ્રકટ થયો. સેક્સ શબ્દ એ દિવસોમાં ગુજરાતી લેખકો લખતાં જરા શરમાતા હતા, પણ મને એ ખબર ન હતી. આજે પણ શરમાય છે પણ મને હવે એ ખબર છે. સેક્સ શબ્દ પ્રેમ અને વાસનાની વચ્ચે કયાંક આવી જતો હતો, અને શિશ્ન અને યોનિની યાંત્રિક પ્રવૃત્તિ કરતાં ઘણો વિરાટ હતો એવું માનસશાસ્ત્રીઓ કહી રહ્યા હતા.
એ દિવસોમાં હું મેરી સ્ટોપ્સથી એબ્રહમ સ્ટોન સુધીના લેખકોને વાંચતો હતો, સિગમન્ડ ફ્રોઇડ, યુંગ, એડલર જેવાં નામો વચ્ચેવચ્ચે બોલતાં રહેવાથી બહુ બુદ્ધિમાન દેખાઇ શકાતું હતું પણ સેક્સ વિષયક જ્ઞાન વધી રહ્યું હતું એ ચોક્કસ હતું. ડો. કિનસેના અભ્યાસ-ગ્રંથમાં ઘણી ચટપટી માહિતી પણ મળતી હતી : સન ૧૯૦૦ પહેલાં જન્મેલી સ્ત્રીઓમાંથી ૩૩ ટકા સ્ત્રીઓ રાત્રે સંભોગ સમયે વસ્ત્રો પહેરી રાખતી હતી. લગભગ ૨૫થી ૩૫ વર્ષની અમેરિકન સ્ત્રીઓ સેક્સની બાબતમાં સૌથી જીવંત હતી. ૪૦ વર્ષ સુધી અપરિણીત રહેલી અમેરિકન સ્ત્રીઓમાં દર પાંચ સ્ત્રીએ માત્ર બે જ વર્જિન કે નિષ્કલુષા રહી હોય છે...
આ માહિતી ૧૯૫૦ના દશકના અમેરિકાની છે. આજે સેકસ્યુઅલ સ્વાતંત્ર્ય હવે સેકસ્યુઅલ સ્વચ્છંદની કક્ષા પ્રાપ્ત કરી ચૂક્યું છે, કદાચ જગતભરમાં. વૈજ્ઞાનિકોએ સેક્સને એક વૈશ્વિક વિષય બનાવી દીધો છે. નર અને માદા માટે જગતભરમાં આ પ્રમાણે પ્રતીકો વપરાય છે : નર માટે મંગળનું તીર અને માદા માટે વીનસનું દર્પણ! આ બે વરચેનો સંબંધ એ પ્રેમથી સેક્સ સુધી ગમે તે સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. ડો કિનસેએ થોડી ઐતિહાસિક માહિતી આપી છે, જે પશ્વિમના ઇતિહાસમાંથી લેવામાં આવી છે. પશ્વિમની દંતકથાઓ અને ઇતિહાસકથાઓનાં અમર પ્રેમપાત્રો અથવા મહાન પ્રેમી-પ્રેમિકાઓ વિશે ડો. કિનસેએ લખ્યું છે.
રોમિયોએ જ્યારે જુલિયેટને લવ કર્યો ત્યારે જુલિયેટ ૧૪ વર્ષની હતી. હેલન ઓફ ટ્રોય પશ્વિમની સંસ્કારકથામાં અત્યંત ખૂબસૂરત સ્ત્રી હતી અને પેરિસ નામનો યુવાન એનું અપહરણ કરી ગયો હતો. આ ઘટનાએ સાહિત્ય, કાવ્ય, ચિત્રકલા, શિલ્પકલાને હજારો વર્ષ સુધી પ્રેરણા આપી છે. પેરિસ જ્યારે સ્પાર્ટામાંથી હેલનને ઉપાડી ગયો હતો ત્યારે હેલનની ઉંમર હતી : ૧૨ વર્ષ! ટ્રીસ્ટેમ અને ઇસોલ્ડેની કરુણ કથા પરથી રિચર્ડ વેગ્નરે મહાન સંગીતમય ઓપેરા બનાવ્યું છે. પ્રજાજન ટ્રીસ્ટેમ પ્રેમમાં પડે છે એ ઇસોલ્ડેની સગાઇ રાજા સાથે થઇ છે.
બન્ને ચોરીચોરી અંધારા કિલ્લામાં મળતાં રહે છે, છેવટે એમને લાગે છે કે પકડાઇ જઇશું. એક દ્વંદ્વમાં ટ્રીસ્ટેમ જખ્મી થાય છે, ઇસોલ્ડે એના લોહીલુહાણ પ્રેમીને ભેટી પડે છે અને બન્નેના છેલ્લા શ્વાસ ચાલે છે ત્યારે રાજાને ખબર પડે છે અને રાજા બન્નેને ક્ષમા આપી દે છે. આ અદ્ભુત કરુણ કથા યુવાનોની પેઢીઓને સેંકડો વર્ષોથી પ્રેરિત કરતી રહી છે. ટ્રીસ્ટેમ પ્રેમમાં પડયો ત્યારે ૧૯ વર્ષનો હતો. ડો. કિનસે લખે છે કે આ બધા પ્રેમીઓ જો ૨૦મી સદીમાં હોત તો એમના પર નાબાલિગ કે અપરિપકવ હોવા માટે કોર્ટમાં કેસ ચાલ્યા હોત!
કઇ ઉંમરે પ્રેમ કરવો જોઇએ? ધર્મથી મીડિયા સુધી કોઇએ આનો ઉત્તર આપ્યો નથી. અર્ગલા-સ્તુતિમાં મનુષ્ય પ્રાર્થના કરે છે: રૂપમ દેહિ, જયમ દેહિ, યશો દેહિ, દ્વિષો જાહિ (મને સૌંદર્ય આપો, વિજય આપો, યશ આપો, મારા શત્રુઓનો ઘ્વંસ કરો) ! પણ એ સ્તુતિને અંતે પ્રાર્થના છે કે મને એક રૂપસી પત્ની આપો જે મારી ઇરછાઓ પ્રમાણે કરે...! ધર્મ પણ પુરુષપ્રધાન પ્રેમની વાત કરે છે, એમાં સ્ત્રીનો દ્રષ્ટિકોણ કે રુચિકોણ ખાસ દેખાતાં નથી.
યહૂદીઓના ધર્મગ્રંથ ‘તાલમુડ’માં ઇશ્વરને એક પ્રાર્થનામાં ભાવક કહે છે : મને દુર્ઘટનામાંથી બચાવો, મને ખરાબ વૃત્તિઓથી બચાવો, મને કુભાર્યાથી (ખરાબ પત્નીથી) બચાવો! એ જ ધર્મની બીજી એક પ્રાર્થના છે જે સૂતાં પહેલાં બોલવાની છે. એમાંથી એક લીટી : લોર્ડ માય ગોડ, મારા પિતાઓના ગોડ, મારી પથારીમાંથી એવું ફળ આપો જે તમારી સમક્ષ સંપૂર્ણ હોય! પુરુષ પ્રેમી હોય છે ત્યારે એને માત્ર મમતા હોય છે, પણ એ જ્યારે પતિના રોલમાં આવી જાય છે ત્યારે માયા થઈ જાય છે. સાધુ-મહાત્માઓ પણ આ બે શબ્દોનો ભેદ સમજતા નથી, અથવા સમજાવતા નથી, કારણ કે એ પતિ હોતા નથી અને કાયદેસર પ્રેમી થવાનું એમના કિસ્મતમાં નથી.
પ્રેમમાં સેક્સની કેટલી જરૂર છે, આટામાં નમક જેટલી કે નમકમાં ખારાશ જેટલી? અને સેક્સને ઉંમર સાથે કોઇ સંબંધ છે? કહેવાય છે કે અપરિણીત સ્ત્રીનું ૨૯મું વર્ષ ત્રણ-ચાર-પાંચ વર્ષોસુધી ચાલતું રહે છે અને પરિણીતા સ્ત્રીનું ૩૯મું વર્ષ ચાર-પાંચ-છ વર્ષોસુધી ચાલ્યા કરે છે. બીજી વાત એવી છે કે સ્ત્રીની ત્રણ ઉંમરો હોય છે: યુવા, ૩૯ અને વયસ્ક! એટલે જૂના વિચારો અત્યારે ચાલે નહીં. સેક્સ કે સૌંદર્ય કે ઉંમર કે ચરિત્રને પ્રેમ સાથે શું સંબંધ છે? પતિ અને પત્ની હોય માટે જ પ્રેયસ કે પ્રેયસી હોય એ જરૂરી નથી.
કદાચ પત્ની અને પ્રેયસી અથવા પતિ અને પ્રેયસ એ વિરોધી શબ્દો છે. ચીનમાં ચેરમેન માઓ ઝેદોંગની ચોથી પત્ની અને એકકાલીન સર્વેસર્વા ચિયાંગ ચિંગ ‘ડ્રેગન લેડી’ કહેવાતી હતી. એણે એક કોન્ફરન્સમાં કહ્યું હતું : સ્ત્રીને પુરુષ-રખાતો (કોન્કયુબાઇન) કેમ ન હોઇ શકે? મહારાણી વુ-ત્સેઝીઅને પુરુષોને રખાત તરીકે રાખ્યા હતા...
વીસમી સદી વિશ્વભરમાં સેકસ્યુઅલ રેવોલ્યુશન અથવા સેક્સક્રાન્તિનો કાળ ગણાય છે, જે રીતે ૧૯મી સદી રાજકીય ક્રાન્તિ અને ૧૮મી સદી ઔધોગિક ક્રાન્તિના કાલખંડો હતા. મારું માનવું છે કે આજે સેક્સ ટયૂબલાઈટના સ્ટાર્ટર જેવું છે. સ્વિચ દબાવો, પહેલાં સ્ટાર્ટર જલે, પછી ટયૂબલાઇટ જલી જાય, અને સ્ટાટર્ર હોલવાઇ જાય. લગ્નમાં સેક્સ એ સ્ટાટર્ર છે, મોટરસાઇકલની કિક જેવું.
પ્રેમની રોશની ફેલાઇ જાય એટલે સેક્સનું સ્ટાર્ટર આપોઆપ બંધ થઈ જાય છે.
ડો. આલ્ફ્રેડ કિનસે પછી છેલ્લાં ૫૦ વર્ષોમાં ઘણા સેક્સ નિષ્ણાતોએ ઘણા નિષ્કર્ષ કાઢયા છે. રૂપ શું છે, પ્રેમ શું છે, સેક્સ શું છે, લગ્ન શું છે? લેબોરેટરીના કાચના બોકસમાં ઊછળતાં સસલાં અને ઝાડ પર કૂદતા બંદરો અને ડબલબેડમાં એકબીજા તરફ પીઠ કરીને સૂઈ જતાં સુખી ગુજરાતીઓની સેક્સ-લાઇફમાં કંઇક ફર્ક તો હોવો જોઇએ!
ક્લોઝ અપ
તમે મને બધું જ આપ્યું છે, જે મારે જોઈતું હતું. સુખ, સંતુલન, થોડું દુ:ખ પણ... તમે મને એક વિચિત્ર પ્રકારની શાંતિ આપી છે. કદાચ મેં પણ એવું જ કંઇક આપ્યું છે તમને...
લેડી માઉન્ટબેટન, જવાહરલાલ નેહરુને, પત્રમાં : મે, ૧૯૪ફલેશબેક,