શ્રાવણ મહિનો આવે એટલે વ્રત અને ઉપવાસનો મહિમા વધી જાય છે. વળી અત્યારે તો રમજાન માસ પણ ચાલે છે. ઉપવાસને ધાર્મિક તેમ જ માનસિક રીતે ઉપયોગી ગણવામાં આવે છે. જો સમજણપૂર્વક કરવામાં આવે તો ઉપવાસથી વજન ઊતરી શકે. શરીર ડિટોક્સિફાય થાય અને સ્વાસ્થ્ય સુધરે.
ઉપવાસની શરૂઆત ખૂબ જ ધીમી રીતે કરવી જોઇએ. એક પણ ઉપવાસ કર્યા વગર ચાતુર્માસ કે અઠ્ઠાઇ ન કરાય. ઉપવાસની શરૂઆત ધીમેથી કરવાનું કારણ એ છે કે તેમ કરવાથી શરીર કેળવાય છે. પછી તે લાંબા ગાળા માટે તૈયાર થાય છે. ખરેખર તો ઉપવાસનો ધાર્યો ફાયદો મેળવવા આ દરમિયાન ચા, કોફી વગેરે વ્યસન બિલકુલ છોડી દેવું જોઇએ. ઉપવાસ અને ભૂખમરો બંને જુદી બાબત છે. ઉપવાસ કરવાથી શરીર પોતાનામાં ભેગી કરેલી એક્સ્ટ્રા ચરબીનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. જ્યારે ભૂખમરો કરવાથી શરીરે એકત્રિત એક્સ્ટ્રા એનર્જી વાપરીને શરીરનાં ટશિ્યુ અને મસલ્સમાં વાપરવા લાગે છે.
વધુ પડતા ઉપવાસ કરવાથી આખો દિવસ ભૂખ લાગ્યા કરતી હોય તેવું લાગે છે. આ ઉપરાંત શરીર દુખવું, માથાનો દુખાવો અને સ્વભાવ ચીડિયો થઇ જવો, વારંવાર ઉલટી થવી, એલર્જી, મોમાંથી વાસ આવવી, શરદી અને ફ્લુ જેવા લક્ષણો જણાય છે. ઉપવાસ દરમિયાન શરીર ચાલતું નથી તેવું લાગવું સામાન્ય છે.
ગેરફાયદો
વધુ પડતી ફરાળી વાનગીઓ આરોગવાથી વજન ઘટવાને બદલે વધી શકે છે.
*****
ફરાળી ઉપવાસ
ફરાળમાં મોરૈયો, સાબુદાણા, રાજગરો, ફળ, દૂધ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જો દિવસમાં એક વખત ફરાળી વાનગીઓ ઓછા તેલ-ઘીવાળી ખાવામાં આવે તો તે નુકસાન કરતી નથી.
ઘણા લોકો અલૂણા કરે છે, પરંતુ સામે માવામીઠાઇ ઝાપટી જાય છે ત્યારે શરીરમાં સોડિયમ ઓછું થાય છે અને કોલેસ્ટેરોલ વધી જાય છે.
જો તમે એસિડિટીના પેશન્ટ હો, તો લાંબો ટાઇમ ભૂખ્યા રહેવાથી તે વધી શકે છે. થોડો થોડો ખોરાક થોડા થોડા વખતે લેવો હિતાવહ છે. આ ઉપરાંત એક જ સમયે ભૂખ કરતાં ભારે ખોરાક લેવાથી પણ એસિડિટી વધી જાય છે.
ઉપવાસમાં ફક્ત દૂધ અને ફ્રૂટ
દૂધમાંથી કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન મળી રહે છે. અઠવાડિયામાં એક વખત ફક્ત દૂધ અને ફ્રૂટ લેવાથી આંતરડાંને આરામ મળે છે. ફ્રૂટમાં ફાઇબર હોવાથી કબજિયાત જેવા રોગ દૂર થાય છે. વિટામિન અને મિનરલ્સ મળે છે. આમ શરીરનું ક્લિન્સીંગ થાય છે.