બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વડીયા ગામે રહેતા એક વૃક્ષપ્રેમીએ સુંધામાતાનું ઋણ ચુકવવા માટે તેમજ ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો ખાળવા માટે જિલ્લામાં સવા લાખ બીલીના વૃક્ષો વાવવાનું મહાઅભિયાન હાથ ધર્યું છે. જે દરમિયાન તેઓ બીલીનું બિયારણ અમેરિકામાં પણ મોકલ્યું છે. જ્યાં પણ બીલના વૃક્ષ પાંગરશે.
દિયોદર તાલુકાના વડીયા ગામે રહેતા રામાભાઇ ચેલાભાઇ માળીએ ભલે ધો.૧૦ સુધી જ અભ્યાસ કર્યો હોય પરંતુ તેમની મહેચ્છા સમગ્ર જિલ્લામાં તેમજ વિદેશોમાં બીલીના વૃક્ષો વાવવાની હોવાથી તેમણે સવા પાંચ લાખ બીલીના વૃક્ષોનું વાવેતર કરવાનું મહાઅભિયાન હાથ ધર્યું છે. દિયોદરમાંથી ૪૦ વર્ષ પહેલાં અમેરિકા ગયેલા અને નોર્થ કરોલી સ્ટેટમાં સ્થાયી થયેલા તેજેન્દ્રભાઇ મકવાણા સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામગીરી બજાવતા હતા. જેઓ થોડા સમય પહેલાં જ નિવૃત થયા છે અને તેજેન્દ્રભાઇ તેમજ તેમના પિત્ન ધાર્મિક પ્રવૃતિ સાથે જોડાયા છે.
આ અંગે ડૉ. સોનાજી ચૌહાણે જણાવ્યું હતું કે, ‘રામભાઇ માળીએ બીલવૃક્ષના વાવેતરનો સંકલ્પ આદર્યો છે. જેથી અમેરીકામાં વસતા અમારા સગા તેજેન્દ્રભાઇને ત્રણ માસ પહેલાં બે કટ્ટા બિલીના વૃક્ષોના બીજ મોકલ્યા છે. જેનું વાવેતર તેઓએ કર્યું છે. આમ અમેરિકામાં પણ શિવજીને પ્રિય બીલીના વૃક્ષનો ઉછેર થશે. જેથી અમેરિકામાં તેનો વિવિધ દવાઓ માટે ઉપયોગ પણ તેઓ કરી શકશે.’મહાઅભિયાન આદરનાર રામાભાઇ માળીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યના મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પાંચ લાખ બીલીના રોપા મેળવવા માટે રજુઆત કરી હતી. જે અંતર્ગત બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકે અમારા અભિયાનમાં તમામ સાથ-સહકાર આપવાની ખાત્રી આપી છે
જિલ્લા કલેક્ટર રોપાના વિતરણ માટે રથ આપશે
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આર.જે. પટેલ દ્વારા ધરતીને હરિયાળી બનાવવા તેમજ પ્રજાજનોમાં જાગૃતિ માટે વૃક્ષ નારાયણની કથાઓ યોજવામાં આવી રહી છે. દરમિયાન તેમણે રામાભાઇ માળીના બીલીના વૃક્ષ વાવેતરના અભિયાનને વધાવી લીધું છે. તેમણે આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ધરતી દિવસના દિવસે રામાભાઇ માળીનું સન્માન કર્યું હતું તેમજ પાંચ લાખ બીલીના રોપાનું વિતરણ કરવા માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી રથ આપી સહયોગ કરવાનું જણાવ્યું છે. આ ઉપરાંત પણ વૃક્ષોવાવવા માટે સાધન સામગ્રી પ્લાનટેશન કરવા વાહનની પણ વ્યવસ્થા કરવાની ખાત્રી આપી છે.
વડના એક હજાર વૃક્ષો પણ વવાશે
વડના વૃક્ષો પર્યાવરણના રક્ષણ માટે મહત્વના છે. જેથી જિલ્લામાં એક હજાર વડના વૃક્ષો વાવવાનું પણ આયોજન કરાયું જેની સાથે એક હજાર અશ્વમેઘ થશે. આ ઉપરાંત પાંચ હજાર પારસ પીંપળી પણ વાવવામાં આવનાર હોવાનું રામજીભાઇ માળીએ જણાવ્યું હતું.