સુદ્રઢ પગ માત્ર સુંદર જ નથી દેખાતા પણ, તમારું સ્વાસ્થ્ય કેવું છે તેનું સૂચન પણ કરે છે. મજબૂતી અને લચીલા પગને લીધે તમને ક્યારેય કરોડરજજુની તકલીફ નહીં થાય. પગનાં સ્વાસ્થ્યથી તમારા હૃદયની સ્વસ્થતાનો પણ અંદાજ લગાવી શકાય છે. મજબૂત અને સુદ્રઢ પગ ઘૂંટણ અને નિતંબને મુશ્કેલીઓથી દૂર રાખે છે એનું કારણ એ છે કે તે શરીરનો ભાર ઉપાડનારાં અંગોને સહારો આપે છે. યોગાસનોમાં પગનાં બધાં જ આસન સમગ્ર માંસપેશીઓ પર અસર કરે છે, જયારે અન્ય કસરતોમાં પગની માંસપેશીઓનો ઉપયોગ જરૂરતથી વધુ અથવા ઓછો થવાથી પગ અકડાવા લાગે છે. ખોટી રીતે તૈયાર કરાતા ડાન્સથી ઘૂંટણને નુકસાન થાય છે. યોગનો લાભ તમારા પેટના નીચલા ભાગ, નિતંબ અને સાથળને મળે છે. વળી, પગની પીંડી અને ઘૂંટીને એટલો સુંદર આકાર આપે છે કે કદાચ એટલો તો તમે યુવાનીમાં પણ નહીં મેળવ્યો હોય!
એક સરળ, પગ ઊંચકનારી મુદ્રા (લેગલિફ્ટ) પણ તમારા પગની કઠણ ગાંઠ, સ્નાયુ અને માંસપેશીઓને ખોલી નાખે છે. બની શકે કે શરૂઆતમાં કદાચ તમે તમારા પંજાને ન અડકી શકતા હો પણ ધીમેથી સાવધાનીપૂર્વક આગળ વધશો તો પગના પંજાને તમે ચોક્કસ અડકી શકશો. સાવચેતીપૂર્વક કરાયેલા યોગાભ્યાસથી તમે તમારા શરીરનાં આહાર, સ્વાસ્થ્ય અને મિજાજ પર પણ જાદુઇ અસર કરી શકો છો. લેગલિફ્ટ તમારા પગને સુદ્રઢ બનાવશે. એટલું ઘ્યાન રાખો કે તમારા પગ સીધા હોય અને ઘૂંટણ વળેલાં ન હોય.
નિતંબ જમીન પરથી ઊંચકાવા ન જોઇએ અને પગના પંજા વાળ્યા વગર સામે હોય. ઘણાં એવાં આસન છે, જેનાથી ખાસ કરીને હાથ અને પગના મસલ્સ સ્પષ્ટ રીતે જોઇ શકાય એવા સુંદર બને છે. વળી, તે ખાસ ‘કટ્સ’ની ગેરન્ટી આપે છે. યોગના આ આસન તમારી અનિદ્રાની સમસ્યાનો પણ ઉકેલ લાવી દે છે. ટૂંકમાં, આનો સીધો અર્થ એ થયો કે પગની સેહત ફક્ત તમારા શરીર સાથે જ નહીં, દિમાગ સાથે પણ જોડાયેલી છે.
શીર્ષાસન પણ તમારા પગ અને શરીરને સુંદર આકાર આપે છે. યોગ દ્વારા વજન ઓછું કરી અને શરીર સુડોળ બનાવવામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે એમાં કોષોનું પુન:ઉત્પાદન ઝડપથી થાય છે. વજન ઓછું કરવાના બીજા ઉપાય તમારા શરીર પર, ખાસ કરીને કમર, નિતંબ અને સાથળના ભાગની આસપાસ કદરૂપાં નિશાનો છોડી જાય છે, પણ યોગમાં ત્વચા ઝડપથી સારી થઇ જાય છે અને થોડા જ વખતમાં તમારાં નિશાન પણ ગાયબ થઇ જાય છે.
શરીર સુડોળ બનાવનારાં આસનોમાં પેટ પર દબાણ લાવવાનું પણ સામેલ થઇ જાય છે, જેમ કે પિશ્ચમોત્તાનાસન અથવા આગળ તરફ ઝૂકીને થતાં આસન. આ આસનોથી એડિ્રનલ ગ્રંથિ પર સારો પ્રભાવ પડે છે. મહિલાઓમાં માસિક ધર્મ પહેલા અનુભવાતી તાણ, અતિ વ્યગ્રતા, હતાશા વગેરે માટે એડિ્રનલ ગ્રંથિ જવાબદાર હોય છે. એડિ્રનલ ગ્રંથિ પીઠ, પગ, પીંડી અને ઘૂંટીની માંસપેશીઓને પણ પ્રભાવિત કરે છે. એટલે યોગથી તમે ફક્ત સુંદર પગ જ નહીં, પણ તમને અંદર-બહાર બંને બાજુ સુંદરતા બક્ષતી આ ગ્રંથિનું ઘ્યાન રાખી શકશો.
પગને સુંદર, સુડોળ બનાવવા માટે યોગિક આહાર: આપણાં પગમાં શરીરની સૌથી લાંબી માંસપેશીઓ હોય છે. માંસપેશીના વિકાસ અને પુન:ઉત્પાદન માટે પ્રોટીન અતિઆવશ્યક છે. માંસાહારી ભોજનમાં પ્રોટીન ભરપૂર હોય છે, પણ યોગ શાકાહારથી તમારી પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે. નવ જેટલાં જરૂરી એમીનો એસિડ્સની પૂર્તિ થઇ શકે એવો ખોરાક લેવો. બધા શાકાહારી ખાધપદાર્થમાંથી એક કે બીજા પ્રકારનાં એમીનો એસિડ્સ મળે છે,
એટલે શાકાહારી લોકો માટે બધા પ્રકારનો આહાર લેવો જરૂરી છે.
દાખલા તરીકે, એક આખું અઠવાડિયું એક જ પ્રકારનું ફણગાવેલું કઠોળ ખાવાને બદલે તમે છડેલા ચોખા, મકાઇ, સૂકોમેવો, બીન્સ, સાબુદાણા વગેરે ખાઈ શકો. રોજિંદી જરૂરી શક્તિની પૂર્તિ કરવા માટે કોમ્પ્લેકસ કાર્બોહાઇડ્રેટ્સની જરૂર હોય છે. જે લોકો ફક્ત અને ફક્ત પ્રોટીન ડાયેટ પર રહે છે તેઓ વજન તો ઓછું કરી લે છે, પણ આ વેઈટલોસ ફક્ત શરીરમાંથી પાણી નીકળી જવાને લીધે થાય છે. આનો અર્થ એ થયો કે તમારું વજન પાછું ઝડપથી વધી જશે. વધુ માત્રામાં પ્રોટીન ડાયટ સાથે કસરત કરવાથી શરીરમાં પાણીની અછત થઇ જાય છે.વ્યાયામ વગર પ્રોટીન ડાયેટ લેવાનો અર્થ છે એવી ચરબી જમા કરવી, જેને તમે બાળી નથી શકતા. કેટલાક લોકો વિચારે છે કે પ્રોટીનયુક્ત આહાર વજન ઓછું કરવાની ગેરેંટી આપે છે, પણ વાસ્તવમાં આ રીતે તમે વજન નહીં, તમારી માંસપેશીઓ ઓછી કરો છો.