લીલાં મરચાંમાંથી ફોસ્ફરસ, કેલ્શીયમ અને વિટામીન-સી અને પી મળી રહે છે જે ચામડીના રોગ સામે રક્ષણ કરે છે
મરચું રસોઈને સ્વાદિષ્ટ (તમતમતાં) બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. દરેક શાકભાજીના લગતી રસોઈમાં મરચીની જરૂરીયાત રહેલ છે. મરચીમાં જુદા-જુદા રોગોને કારણે ઉત્પાદનની સાથે તેની ગુણવત્તા ઉપર પણ માઠી અસર પડે છે. જેના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. જેની આ લેખમાં મરચીના રોગો અને તેનું સંકલિત નિયંત્રણ અને સચોટ માહિતી દર્શાવેલ છે :
(૧) ધરૂ મૃત્યું : આ રોગ પાકના બે તબક્કે જોવા મળે છે :
- જમીનમાં બીજમાંથી અંકુર ફૂટે તે પહેલા બી સડી/કોહવાઈ જાય છે. જેથી અંકુર જમીનની બહાર આવી શકતુ નથી.
- બીજા તબક્કામાં ધરૂના રૂપમાં જ્યારે બીજ સ્ફૂરણ થઈ જમીનની બહાર આવ્યા પછી જમીનની સપાટીથી તેનું થડ કાળુ પડી ઢળી પડે છે.
નિયંત્રણ :
- ઉનાળામાં ઉંડી ખેડ કરી ખેતર તપવા દેવું.
- ધરૂવાડિયું ઉંચાણવાળી અને સારા નિતારવાળી જમીનમાં જ તૈયાર કરવું.
- ધરૂવાડિયું એકના એક જગ્યાએ દર વર્ષે કરવું નહિ.
- ધરૂવાડિયામાં સારૂ કોહવાયેલું છાણિયું ખાતર અથવા દિવેલાનો ખોળનો ઉપયોગ કરવો.
- જ્યાં ધરૂવાડિયું તૈયાર કરવાનું હોય તે જગ્યાએ એપ્રિલ-મે માસમાં પાણી આપી, જમીન વરાપે ખેડી ભરભરી બનાવવી. ત્યારબાદ, પારદર્શક ૧૦૦ ગેજ (૨૫ માઈક્રોન) એલ.એલ.ડી.પી.ઈ. પ્લાસ્ટિક ધરૂવાડિયાની જમીન પર પાથરી, આ પ્લાસ્ટિકની ચારે બાજુની ધારો જમીનમાં દાબી દેવી. આ પ્લાસ્ટિકને ૧૫ દિવસ સુધી ઢાંકી રાખવાથી જમીનમાં રહેલ જમીનજન્ય ફૂગ, બેકટેરીયા, કૃમિ અને નીંદણનો નાશ થાય છે અને ત્યારબાદ ધરૂ ઉછેર કરવાથી તંદુરસ્ત ધરૂ મળે છે.
- મરચીના બીજને વાવતાં પહેલાં થાયરમ, કેપ્ટાન કે મેટાલેકઝીલ જેવી દવા પ્રતિ કિલો બીજ દીઠ ૩ ગ્રામ મુજબ પટ આપી પછી ગાદી ક્યારામાં વાવવા અથવા મેટાલેકઝીલ એમ.ઝેડ. ૨૦ ગ્રામ અથવા કોપ ઓકઝીકલોરાઈડ ૨૫ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી આ દ્રાવણ પ્રતિ ચોરસ મીટર ૩ લીટર પ્રમાણે બીજ પૂંખતાં પહેલા અને ધરૂના ઉગાવ્યા બાદ ૨૦ દિવસે જમીનમાં ટુંવા આપવાથી ઘણો જ ફાયદો થાય છે.
- બી પુંખ્યા બાદ ક્યારાને હલકા વજનવાળા (તાજા ડાંગર, ઘઉંનું પરાળ કે આસોપાલવની હલકી ડાળીઓ) આવરણથી ઢાંકી દેવું, અને ત્યારબાદ જ ઝારાથી પાણી આપવું.
- છોડ ઉપર સીધું ઝાકળ/વરસાદનું પાણી ન પડે તે માટે રાત્રે ધરૂવાડિયામાં છોડથી ઉચે પ્લાસ્ટિક ઢાંકી રાખવું.
(૨) કાલવ્રણ અથવા પરિપક્વ ફળનો સડો :
- રોગનીશરૂઆત છોડની ટોચ ઉપર કાળા ટપકાં રૂપે જોવા મળે છે. ડાળીઓ ઉપર બદામી રંગની અને સમયજતાં રાખોડી ધોળાશ પડતી અથવા આછા પીળા રંગની જોવા મળે છે. જેમાં કાળા રંગના ટપકાં જોવા મળે છે. ધીરેધીરે આખો છોડ સૂકાઈ જાય છે અને મરચાં બેસતા નથી.
‘ મરચાં લાલ થાય છે ત્યારે અને ઘણી વખત લીલા મરચાં પર નાના કાળા ગોળાકાર ટપકાં જોવા મળે છે. જે ધીમેધીમે લંબગોળ આકારના આછાં કાળા કે પીળા રંગના થાય છે જેની ફરતે કાળી ધાર જોવા મળે છે અને મરચાંનો રંગ સફેદ થઈ જાય છે.
- આ રોગ મરચાંની ગુણવત્તા ઉપર માઠી અસર કરે છે જેથી બજાર ભાવમાં ઘટાડો થાય છે.
નિયંત્રણ :
- બીજને થાયરમ કે કેપ્ટાન દવા ૩ ગ્રામ/કિ.ગ્રા. પ્રમાણે બીજ માવજત આપીને વાવણી કરવી.
- ધરૂની ફેરરોપણી બાદ જ્યારે રોગ જણાય ત્યારે કેપ્ટાફોલ (૧૦ગ્રામ) અથવા મેન્કોઝેબ (૨૭ ગ્રામ) દવાઓ પૈકી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. ૧૦ થી ૧૨ દિવસનાં અંતરે વધુ ત્રણથી ચાર છંટકાવ કરવા.