મહિલાઓને ગુલાબ પ્રત્યે ખાસ લગાવ હોય છે. સાડીમાં જો રોઝ પ્રિન્ટ પોતાને મનગમતા રંગ અને સાઇઝમાં હોય, તો કઇ મહિલાનું મન ન મોહે?
ડિઝાઈનર સાડીની દુનિયામાં આજની મહિલાઓ પોતાની પસંદગીની સાડીઓ ખરીદતી હોય છે, ત્યારે તેમાં તેઓ સાડીની પ્રિન્ટને વધુ મહત્વ આપે છે. ફ્લોરલ પ્રિન્ટ, ડોટ્સ, લાઇનિંગવાળી ડિઝાઈનની દુનિયામાં ઘણી વાર મહિલાઓ કોઇ ખાસ પ્રિન્ટ પર પસંદગી ઉતારે છે અને આજકાલ રોઝ પ્રિન્ટ હોટ ફેવરિટ છે.
રોઝ પ્રિન્ટની સાડીઓ મહિલાઓ વધુ પસંદ કરે છે તે ધ્યાનમાં રાખીને હવે આ પ્રિન્ટનો અલગ અલગ મટિરિયલમાં ઉપયોગ થવા લાગ્યો છે. કોટન, શિફોન, સિલ્ક, નેટ, સિન્થેટિક વગેરેમાં હવે રોઝ પ્રિન્ટને સ્થાન મળી રહ્યું છે. આ તમામ મટિરિયલમાંથી અત્યારે નેટની સાડીમાં રોઝની ડિઝાઈન વધારે પોપ્યુલર છે. તે દેખાવમાં સુંદર અને આકર્ષક લાગે છે. તેમાં સ્ટોન અને ડાયમંડ લગાવી બુટ્ટા સ્ટાઇલમાં રોઝની આકર્ષક ડિઝાઈન બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઘણી વાર સાડીની બોર્ડરમાં પણ રોઝ પ્રિન્ટમાં બુટ્ટા વર્ક અલગ જ ઉઠાવ આપે છે. કોટનમાં મોટા ભાગે આખી સાડીમાં રોઝ પ્રિન્ટ હોય છે અને તેની ડિઝાઈનની સાઇઝ નાનીમોટી થતી રહે છે.
સાડીના પાલવ કે પાટલીના ભાગમાં જ આવતી રોઝ પ્રિન્ટ ખૂબ જ આકર્ષક લાગે છે. સિલ્ક અને શિફોનમાં પણ ખાસ કરીને સાડીની બોર્ડર પર, સાડીની એક કિનારી પર મોટા રોઝ જરદોશી કે સ્ટોન વર્કથી ડિઝાઈન કરવામાં આવે છે. જે ખૂબ જ આકર્ષક લાગે છે.
સૌથી વધુ રોઝ પ્રિન્ટ પાલવમાં અને સાડીની બોર્ડર પર હોય તેવી ડિઝાઈન વધુ જોવા મળે છે. આની સાથોસાથ રોઝમાં જરદોશી વર્ક પણ કરવામાં આવે છે. મહિલાઓને અમસ્તા પણ રોઝ તો પ્રિય હોય છે. એમાં જો સાડી પર મનગમતા રોઝ વિવિધ ડિઝાઈન અને વર્ક ધરાવતાં હોય તો તો પછી પૂછવું જ શું? આવી સાડી કોઇ પણ મહિલાની પ્રથમ પસંદગી બને જ.