‘રાહી’નું સમગ્ર સાહિત્ય હિન્દુસ્તાની સભ્યતા અને સંસ્કૃતિની સંયુકત વિરાસતનું બુલંદ સમર્થક છે. તેમનાં ઉપન્યાસ, શાયરી, નિબંધ તેમ જ કટારલેખનમાં હિન્દુસ્તાની હોવાનું ગૌરવ તથા હિન્દુસ્તાનીપણાની હિફાઝત માટેની ફિકર ખાસ દેખાઇ આવે છે. તેમની શાયરીમાં રાધા છે, કૃષ્ણ છે, શંકર છે, ગંગા-જમુના ને ગાઝીપુર છે. આ બધાંની સાથે એક બીજી વસ્તુ છે - એકદમ શુદ્ધ, નકરા તેજાબ જેવી ધર્મનિરપેક્ષતા! ‘રાહી’ ગંગાને પોતાની માતા ગણતા હતા.
તેમણે ‘વસિયતનામા’માં લખ્યું હતું : મારા મૃત્યુ પછી મને ગંગાની ગોદમાં સુપરત કરી દેજો! ‘વસિયત’માં તે કહે છે : મુઝે લે જા કે ગાઝીપુરમેંગંગા કી ગોદી મેં સુલા દેના/ વો મેરી માં હૈ, વહ મેરે / બદન કા ઝહર પી લેગી ‘રાહી’ ને પોતે હિન્દુસ્તાની હોવાનો ઘણો ગર્વ હતો. ‘હિન્દુસ્તાની’ એટલે દેશની સૌથી ‘નાનકડી લઘુમતી’! કેમકે... અપને વતન મેં / હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ તો બહુતેરે હૈ /લેકિન મૈં સોચ રહા હૂં / હિન્દુસ્તાની કિતને હોંગે?
આપણે હિન્દુસ્તાની કેમ નથી બની શકતા? નફરત, શક અને ડર નામના ત્રણ રાક્ષસ જનમાનસ ઉપર એટલી હદે હાવી થઈ ગયા છે કે આપસી સદભાવ, ભાઈચારો અને પ્રેમ માત્ર ઉપર ઉપરની વાતો બનીને રહી ગયાં છે.
આ ત્રણ વાયરસના કારણે એવી બદકિસ્મતી પેદા થઇ છે કે હિન્દુસ્તાનમાં આમઆદમી માટે હિન્દુસ્તાની બનવાનુંય શકય નથી રહ્યું ત્યાં ‘માણસ’ કે ‘ઇન્સાન’ થવાની તો વાત જ ક્યાં કરવી? આથી જ ‘રાહી’ આગળ કહે છે: ઇન્સાનોં કે સિવા ઇન સડકોં પર / હર શય ચલતી હૈ / હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ / ચોર, ઉરચકે / થાનેવાલે /ડીપ્ટી સાહબ /એસપી સાહબ /પંડિતજી, મોલાના સાહબ / યાની ઇન્સાનો કે સિવા / ઇન સડકોં પર હર શય ચલતી હૈ!
બહુ ઓછા લોકોને ખબર હશે કે રામજન્મભૂમિ વિવાદના પગલે દેશમાં કોમી તનાવ વઘ્યો, માનવી વિશ્વાસનું મોત શીર્ણ-વિશીર્ણ થયું તે મામલે ‘રાહી’એ મૌલિક વિચાર વહેતો કર્યો હતો.
તેમણે મંદિર-મસ્જિદનાં સ્થળે બાલોધાન બનાવવાની હિમાયત કરી હતી. જો કે આ બદલ બંને બાજુથી કટ્ટરપંથીઓ તેમના ઉપર તૂટી પડ્યા હતા. ‘રાહી’એ બચાવમાં કહેલું કે તમને લોકોને મંદિર-મસ્જિદ બનાવવાનો હક્ક છે, તો પછી દેશની જનતાનું, લોકોનું વિભાજન કરે એવાં ધાર્મિક સ્થળને તોડી પાડવાની વાત કરવાનો મને પણ અધિકાર છે!
બેબાક અને કાચા પારા જેવી બિનસાંપ્રદાયિકતા યા ધર્મનિરપેક્ષતાના કારણે આ માણસે ભરચક દુશ્મનો ઊભા કર્યા, જેમાં, કોમ કે જાતિભેદ નથી! આ માણસ હરકદમ પર તેનાં પરિણામ ભોગવવા તૈયાર રહ્યો. જખ્મોં કી ઇસ બસ્તી કો ભી / હમ ગુલઝાર બનાયે / પાર્વતી તૂ કહ દે તો / યે ઝહર ભી હમ પી જાયે...! દિલકા શહર ઊજડતા જાયે / બઢતા જાયે જંગલ / મજહબ કા મૌસમ આયા હૈ / ઇક ઇક લાશ હૈ ઇક ઇક પરચમ / આંસુ પહેલે લાશ સે ઉસકા મજહબ પૂછે / ફિર આંખોં સે બાહર આયે! અબ મસ્જિદ / અલ્લા કા નહિ મુલ્લા કા ઘર હૈ / અબ મંદિર મેં રામ નહિ ‘સિંઘલ’ રહતે હૈ / અડવાની પૂજે જાતે હૈ
‘રાહી’એ મતલબપરસ્ત રાજનીતિ અને ખોખલી ધાર્મિકતા સામે એકલવીરની જેમ લડત આપી. રાજીવ ગાંધી, બાલ ઠાકરે તથા તેમની શિવસેના, સૈયદ શહાબુદ્દીન, ઝેડ. અન્સારી, અંતુલે, શાહી ઇમામ, અડવાણી કોઇ કહેતા કોઈને ન છોડ્યા!
રાજીવ ગાંધીએ કોલકાત્તાને ‘મરેલું શહેર’ (ડેડ સિટી) ગણાવ્યું ત્યારે રાહીએ લખ્યું... મુઝે મિલતા વો નેતા તો ઉસસે પૂછતા / કિ ભૈયન, યે બતાઓ / ઇસ હિન્દોસ્તાં, જન્નત-નિશાં મેં / કોઇ જીંદા નગર, બસ્તી, મોહલ્લા / કિસ તરફ હૈ? / જીસે હિન્દોસ્તાં કહતે હૈ હમ સબ / વો મુર્દા બસ્તિયોં કા એક કબ્રિસ્તાન હૈ અબ / વો ઇક શમશાન હૈ અબ...!
ભાજપી નેતા અડવાણીને લપેટમાં લેતા ‘રાહી’ એ જાહેરમાં પૂછેલું: ‘તમે કહો છો તેમ ભારતમાં આઝાદી બાદ કમ સે કમ ૩૦૦૦-૪૦૦૦ કોમી દંગા થયાં હશે. આટલા હુલ્લડ પછી પણ મેં મારો દેશ નથી છોડ્યો. અને તમે એક જ તોફાનમાં વતન છોડી દીધું? બોલો દેશભકત કોણ, તમે કે હું?’ અબ સિયાસતકી દુકાનોં કા યે દસ્તૂર હુઆ / વહી સિક્કા નહીં ચલતા, જો ખરા હોતા હૈ / હમને આપકે સારે વાદે દેખ લિયે / આપ અપને હી પાસ અપના હર વાદા રખિયે!
ધર્મ અને રાજનીતિના ધંધા સામે ‘રાહી’નો મોરચો સદાય રહ્યો. સૌથી મોટો વેપાર આજે કયો છે? ધર્મ કે રાજનીતિ? કોણ ચડે એ કહેવું મુશ્કેલ છે પરંતુ બંનેમાં ‘સ્મગલિંગ’ કરતાંય વધુ તગડી કમાણી છે! માટે જ રાજનીતિ અને ધર્મના ધંધામાં જવા હરકોઈ આજે બેકરાર છે!