બિંદી સ્ત્રીની શોભા છે, તેના વિના સોળ શ્રૃંગાર અધૂરો છે, ચહેરાના આકાર અનુસાર જો બિંદી લગાવાવામાં આવે તો તે પરફેક્ટ લુક આપશે, હાલમાં તો આ પરંપરાગત બિંદી બોલીવૂડ તો ઠીક હોલીવૂડમાં લોકપ્રિય બની છે
કપાળે લગાવેલી બિંદી સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે. બિંદી એ ભારતીય સ્ત્રીઓના શ્રૃંગારનો એક ભાગ છે, જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે, પરંતુ આજે આ બિંદી ઇન્ટરનેશનલ ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ છે. આજે તો બોલીવૂડથી લઈને હોલીવૂડ સુધીની નાની-મોટી અભિનેત્રીઓમાં બિંદીની લોકપ્રિયતા વધી ગઈ છે. થોડા સમય પહેલા જ્યારે હોલીવૂડની જાણીતી અભિનેત્રી જુલિયા રોબટ્ર્સ તાજમહાલ જોવા ભારત આવી હતી ત્યારે તેના માથા પર લાલ રંગની મોટી બિંદી ચમકતી જોવા મળી હતી. જુલિયાની આ તસવીર ‘ગ્લોસી’ મેગેઝિનમાં છપાઈ હતી.
તેના અમેરિકન ચાહકોએ પણ કહ્યું હતું કે જુલિયા પર ઇન્ડિયન બિંદી ખૂબ જામે છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે ‘જ્યારે હું મેકઅપ કરું છું ત્યારે ભારતીય બિંદી જરૂર યાદ કરું છું. ભારતીય મહિલાઓ પરની રંગબેરંગી બિંદી જોઉં છું ત્યારે મારી નજરો ત્યાં જ થંભી જાય છે. સાડી સાથે બિંદી લગાવવાનો અહેસાસ અદ્ભુત હતો.’
ગોળ ચહેરો હોય તો...
મોટે ભાગે ગોળ ચહેરાની વિશેષતા એ છે કે ચહેરો પહોળો અને એટલો જ લાંબો હોવો જોઈએ. ગાલ એ ચહેરાનો સૌથી પહોળો ભાગ ગણાય છે. આ ચહેરા માટે નાની અને લાંબી બિંદી યોગ્ય રહેશે. આવી બિંદી ચહેરા પર એક અનોખી આભા ઉત્પન્ન કરે છે. ગોળ ચહેરો ધરાવતી મહિલાઓએ ગોળ અને બરફી આકારની બિંદી લગાવવી જોઈએ નહિ.
અંડાકાર ચહેરો
આ ચહેરામાં માથું દાઢી કરતાં વધારે પહોળું હોય છે. ગાલનું હાડકું થોડું દબાયેલું હોય છે. ગાલનું હાડકું ઓછું પહોળું હોવાને લીધે ચહેરો સુંદર દેખાય છે. અંડાકાર ચહેરા પર વધુ ભારે ડિઝાઈન વાળી બિંદી ન લગાવવી.
ચોરસ ચહેરો
આ ચહેરામાં માથું અને ગાલનું હાડકું સમાન રીતે ચોરસ હોય છે. ગાલ અને જડબા વાળો ભાગ એક જેવો પહોળો હોવાથી ચહેરો ચોરસ દેખાય છે. નાજુક, લાંબી, ગોળ અને વધુ ઘૂમાવદાર બિંદી ચોરસ ચહેરા પર સારી લાગે છે. પહોળી બિંદી ચહેરાની સુંદરતા વધારે છે.
ત્રિકોણ ચહેરો
આ ચહેરામાં જડબાનું હાડકું માથાના ભાગેથી વધુ ફેલાયેલું હોય છે. મોટા આકારની બિંદી ચહેરાને પરફેક્ટ લુક આપવામાં મદદ કરે છે. ઉપરાંત નાની અને લાંબી બિંદી પણ લગાવી શકો છો.
થિયેટર હોય કે રાજકારણ...
ભારતીય મહિલા હસ્તીઓમાં બિંદી ખૂબ લોકપ્રિય છે. જાણીતી લેખિકા શોભા ડે કહે છે કે ‘બિંદી ભારતીય મહિલાની ઓળખ છે. મને ગર્વ છે કે આપણે બિંદીની પરંપરા જાળવી રાખી છે.’ જ્યારે થિયેટર કલાકાર ડોલી ઠાકુર કહે છે કે ‘મેં ‘ક્યા હોગા નિમ્મો કા’માં કામ કરતા પહેલા જ કહી દીધું હતું કે હું મારું સ્ટાઇલ સ્ટેટમેન્ટ નહિ બદલું.’ રાજકારણમાં પણ બિંદી સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. વૃંદા કરાત, અંબિકા સોની, સુષમા સ્વરાજ અને રેણુકા ચૌધરીની માથા પર લાગેલી કથ્થઈ બિંદી તેમનામાં ગજબનું આકર્ષણ પેદા કરે છે. વૃંદા કરાતના અનુસાર બિંદી તેમની જીવનશૈલીનો ભાગ બની ગઈ છે. નૃત્યાંગના મલ્લિકા સારાભાઈની બિંદી પણ કોઈનાથી કમ નથી. હજારો લોકોમાં તેમની બિંદીથી અલગ તરી આવે છે.