વાચકોને આશ્ચર્યના આંચકા આપતી, ટિ્વસ્ટ્સ-ટન્ર્સથી ભરપૂર પ્રસ્તુત નવલકથા લેખકે જ લખેલા સફળ ગુજરાતી નાટક ‘પપ્પા પધરાવો સાવધાન’ પર આધારિત છે. નવલકથાનું કથાનક, સંવાદો અને હ્યુમર એટલાં જીવંત છે કે જાણે આંખો સામે સિનેમાની ચિત્રપટ્ટી પસાર થઈ રહી હોય તેવું લાગે. લેખક શરૂઆતમાં જ સ્ટેચ્યુટરી વોર્નિગ આપી દે છે - આ લખાણને તર્કના ચશ્માં પહેરી વાંચશો તો તબિયત બગડશે!
પત્રકારત્વ, રંગભૂમિ અને ટેલિવિઝન સાથે સંકળાયેલા લેખકની આ પહેલી નવલકથાનું કેન્દ્ર છે, મહેક નામની અલ્લડમિજાજી છોકરી. અહીં નવલકથામાં રોમાન્સની મજેદાર ખુશબો હોવા છતાં વાત ઘૂમરાય છે મહેકે આદરેલી પોતાના પિતાને ફરી પરણાવવાની તજવીજની આસપાસ. અસરકારક વર્ણન અને રસપ્રદ પરિસ્થિતિઓમાંથી પસાર થતી આ વાર્તાનો કલાઇમેકસ જાનદાર છે.
અહીં લગભગ દરેક પાત્રનું જીવન જોગાનુજોગ સર્જાતી નાટયાત્મક ક્ષણોથી લથબથ છે. નવલકથાની ભાષા ખાસ ઘ્યાન ખેંચે છે. અંગ્રેજી શબ્દોનો છૂટથી પણ સભાનતાપૂર્વક થયેલો ઉપયોગ સંવાદોને જીવંત તેમ જ હૃદયસ્પર્શી બનાવે છે. વરચે વરચે કરછી અને પંજાબી ભાષાના વાકયપ્રયોગો પણ થાય છે. ભાષાનો ‘ખીચડો’ અહીં મીઠો અને મજાનો લાગે છે. લેખકની શૈલીમાં ક્યાંય સહેજ પણ આડંબર નથી. સહજપણે વહ્યા કરતો કથાપ્રવાહ વાચકને સતત જકડી રાખે છે.
વાર્તા ક્યાંય તૂટતી, અટકતી કે ભટકતી નથી. તાજગીથી ભરપૂર નવલકથા લાવનાર નીલેશ રૂપાપરા ગુજરાતી નવલકથાકારોમાં થયેલો આકર્ષક ઉમેરો છે.
કૈલાસ એટલે શિવજીનું નિવાસસ્થાન. કૈલાસ -માનસરોવર પોતાનાં અનુપમ સૌંદર્ય માટે જાણીતું છે. કૈલાસ-માનસરોવરની યાત્રા વિશે આમ તો ઘણું લખાઈ ચૂકયું છે, પણ પ્રસ્તુત પુસ્તકમાં તેનાં ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, પુરાણકથનો અને યાત્રા કરવા ઈરછતી વ્યક્તિને ઉપયોગી થઈ પડે એવું સચોટ માર્ગદર્શન - આ બધું એકસાથે સમાઇ ગયું છે.
પૂર્વજીવનમાં ભૂસ્તરશાસ્ત્રી રહી ચૂકેલા સ્વામી પ્રણવાનંદ અત્યારસુધીમાં કૈલાસની ૧૫ અને માનસરની ૧૭ પરિક્રમા કરી ચૂક્યા છે! આ દિવ્યભૂમિનાં રહસ્યોનો એમણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ અભ્યાસ કર્યોછે. જોકે આ પુસ્તક મૂળ ૧૯૪૩ એટલે કે અડધી સદી પહેલાં લખાયેલું છે એટલે કેટલીક ભૌગોલિક અને રાજકીય વિગતોમાં ફેરફાર થઈ ચૂકયો છે છતાં દસ્તાવેજી મૂલ્ય જળવાઈ રહે તે માટે લખાણને યથાતથ રાખવામાં આવ્યું છે.
આ સ-તસવીર પુસ્તક ચાર તરંગો એટલે કે ચાર વિભાગોમાં વહેંચાયેલું છે. આ વિસ્તૃત માહિતીસભર પુસ્તકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તે વાંચતી વખતે જ તમે કૈલાસયાત્રાનું આયોજન મનોમન કરવા માંડો છો! ગુજરાતી ભાષામાં આ વિષય પર આટલી વિશદ છણાવટ કરતું પુસ્તક સંભવત: બીજું એક પણ નથી.