જગપ્રસિદ્ધ સૂફી સંત કવિ રુમીએ બહુ સરસ વાત કહી છે; ‘પ્રેમીઓ જિંદગીની સફરમાં અંતે ક્યાંક મળી જાય એવું નથી થતું. હકીકતમાં તો તેઓ આખે રસ્તે એકબીજાંમાં જ હોય છે’. ગળાડૂબ પ્રેમમાં હોય તેવા બે જણને જોઇએ ત્યારે લાગે કે દુનિયાની સૌથી મોટી શક્તિ કોઇ હોય તો એ પ્રેમ છે. મુંબઈના મરીનડ્રાઇવના દરિયાની પાળ પર એક ચોમાસું સાંજે એકમેકમાં ખોવાઇ ગયેલાં બે યંગ છોકરા-છોકરીને જોયાં ત્યારે રુમી યાદ આવી ગયા. એ પ્રેમીઓની સામે ઊછળતો સાગર હતો ને પાછળ અવિરત વહેતી માનવ અને વાહન ભીડ, પણ એ બન્ને તો પ્રેમના તરાપા પર મસ્ત હતાં, આસપાસની દુનિયાથી તદ્દન બેખબર! એટલાં સુંદર લાગતાં હતાં બન્ને! વરસો પહેલાં એક સખી બહુ દિવસે મળી હતી. એને જોઇને મેં કહ્યું હતું, ‘તું તો બહુ રૂપાળી થઇ ગઇ છે.’ જવાબમાં તેણે બ્લશ થતાં થતાં કહ્યું હતું. ‘આઇ એમ ઇન લવ.’
એ દ્રશ્ય પસાર કરી આગળ સ્ટેશન તરફ ચાલી અને ટે્રનમાં ગોઠવાઇ તો ત્યાં એકદમ જુદા જ અંતિમનું દ્રશ્ય-શ્રાવ્ય માણવા મળ્યું. મારી સામે બેઠેલી એક યંગ છોકરી ગુમસૂમ બેઠી હતી. થોડી વારે તેની આંખમાં આંસુની ઝાલર ગુંથાઇ આવી અને તેણે રૂમાલમાં ચહેરો ખોસી દીધો. ખાસ્સી વાર તે એમ જ બેઠી રહી. ત્યાં તેનો મોબાઇલ ફોન રણક્યો અને તેણે ફોન પર જે વાતો કરી તેના પરથી ખ્યાલ આવી ગયો કે એના પ્રેમીનો ફોન હતો. લાંબો સમય ચાલેલા એ સંવાદમાં તે ત્રણેક વાર બોલી હશે, ‘મેં તને કેટલો પ્રેમ કર્યો... તારા માટે બધું છોડી દીધું...ને તેં મને શું આપ્યું? આ જ? આ આંસુ અને પીડા? આઇ હેટ યુ... આઇ હેટ યુ...’ બે પ્રેમીઓને ઝઘડતાં જોઈએ કે સાંભળીએ ત્યારે ‘તેરે પ્યાર મેં ડૂબ ગયે હમ... તુમ બિન જાઉં કહાં? ...તેરે બિના જી ના પાયેંગે હમ...’ જેવા અઢળક શબ્દો કેટલી જલદી પોતાની અર્થછાયા ગુમાવી બેસે છે એનો ખ્યાલ આવે છે.
દરિયાકિનારે જોયેલાં પ્રેમીઓ અને ટ્રેનમાં જોયેલી પેલી વ્યથિત છોકરી ક્યાંય સુધી દિમાગ પર છવાઇ ગયાં. પ્રેમ માણસને વધુ સુંદર બનાવે, વધુ મધુર બનાવે, વધુ પ્રસન્ન બનાવે, પણ એ જ પ્રેમ માણસને કડવાશથી પણ ભરી દે? પેલી છોકરીના ટેલિફોન કન્વર્સેશનથી એટલું જરૂર સમજાયું હતું કે તે જેને પ્રેમ કરતી હતી એ પ્રેમીના કોઇક વર્તનથી એ ખૂબ દુ:ખી દુ:ખી થઇ ગઇ હતી અને તેના હોઠ પર આવી ગયેલા એ શબ્દો - ‘આઇ હેટ યુ... આઇ હેટ યુ...’ તેના હૃદયમાં ઊછળતી લાગણીની અભિવ્યક્તિ હતા.
આજકાલની પેઢીના યુવાનોને મોઢે આ પ્રયોગ ઘણી વાર સાંભળ્યો છે - ‘અમારી તો લવ-હેટ રિલેશનશિપ છે’ તો કોઇ વળી ફિલોસોફાઇઝ કરીને કહે છે, ‘લવ એન્ડ હેટ - ધીઝ આર ટુ સાઈડ્સ ઓફ ધ સેમ કોઇન’! શું ખરેખર પ્રેમ અને ધિક્કાર સાથે જીવી શકે? એ બન્નેનું સહઅસ્તિત્વ શકય છે? તમે કોઇને પ્રેમ કરો છો ત્યારે તે વ્યક્તિ તમારી દુનિયા બની જાય છે. કોઇના ચહેરા પર ખુશહાલી અને સંતૃપ્તિનું સ્મિત જોઇ તમે જિંદગીનાં સર્વોચ્ચ સુખનો અનુભવ કરો તો સમજી લેજો કે તમે તેના પ્રેમમાં છો, તો કોઇના ચહેરા પર અંકાતી વ્યગ્રતા કે ઉદાસીની એકાદી લકીર તમને ધમરોળી નાખે ત્યારે સમજી લેજો કે તમે તેને ચાહવા લાગ્યાં છો. પોતે ચાહતા હોઇએ એ વ્યક્તિના જીવનમાં ડગલે ને પગલે સુખ અને સંવાદિતા પાથરવાં મન ઉત્સુક બને છે. અચાનક અને આકસ્મિક કોઇને માટે ઘણું-ઘણું કરીને તેને સરપ્રાઇઝમાં ભીંજવી દેવાની ઇરછા થાય ત્યારે સમજવું કે એ તમારું પ્રિયપાત્ર છે, મેળવવા કરતાં આપવામાં સુખનો અનુભવ કરાવે એ જ સાચો પ્રેમ.
થોડા સમય પહેલાં એક મિત્રને લાંબા સમય બાદ મળવાનું થયું. તેને જોતાં જ ચમકી જવાયું. તેનાં સ્વાસ્થ્ય, સૌંદર્ય અને તેના ચહેરા પરનું સદાબહાર સ્મિત - બધું જ તદ્દન ફિક્કું પડી ગયું હતું! સચિંત થઇ જવાયું. પ્રેમથી તેની પૃછા કરી ને જાણવા મળ્યું જેને દિલ ફાડીને પ્રેમ કર્યો હતો એ માણસ ખોટો નીકળ્યો! પોતાના સંબંધની વિફળતાની, છેતરાયાની સણસણતી વેદના તેના ચહેરા પર ઊપસી આવી. સાંભળીને ખૂબ દુ:ખ થયું, પણ તેની એક વાત હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગઈ. તેણે કહ્યું હતું - ‘મેં તો એને પ્રેમ કર્યોહતો, એ મને છેતરતો રહ્યો અને હું તેને પારખી શકી નહીં તેનું ખૂબ દુ:ખ છે. હું કોરાઇ રહી છું એ વાતે. એમ થાય છે આવા માણસ પર મેં મારી લાગણી વેડફી? આમ છતાં એને ધિક્કારું છું એવું નથી બોલાતું. જે વ્યક્તિના પ્રેમમાં જિંદગીનો ખૂબસૂરત ચહેરો પામી શકી એને ધિક્કારવાનું શકય નથી.’
ચોટ ખાધા બાદ પણ આટલી ઉદારતા દાખવવી સહેલું નથી પણ એ મિત્રનો અભિગમ સાચો એ માટે લાગે છે કે પ્રેમમાં તો આમ પણ માણસ જાવેદ અખ્તર કહે છે તેમ ‘ખો બૈઠી સુધ-બુધ કી ગઠરિયાં’ જેવી હાલત હોય છે. બીજું, આવી ઠોકર ખાધા બાદ પણ જેમણે જિંદગીને નવેસરથી જીવવી છે, વેરના અણિયાળા કાંટાથી વારંવાર ઊઝરડાયા વગર જીવવી છે તેમનાં કદમ આ રાહ પર જ પડવાનાં.
પરંતુ આજની યંગ જનરેશનના મોઢે તો હિસાબ-કિતાબની ભાષા રમે છે. ‘મેં તારા માટે આ છોડયું, પેલું કર્યું પણ તેં શું કર્યું?’ આવું સાંભળીએ ત્યારે એટલી ખાતરી ચોક્કસ થાય કે આ સંબંધ બીજો કોઇ પણ હોઇ શકે પણ પ્રેમનો તો નથી જ. અલબત્ત પ્રેમમાં છલનાના ભોગ બનવું એ અતિ કપરી ક્ષણ છે. એ સહન કરવું વસમું છે. આજના યુવાનોના મતે એ પળોમાં ‘આઇ હેટ યુ... હેટ યુ...’ પ્રેક્ટિકલ અપ્રોચ ટુ લાઇફ છે! પણ ધિક્કારની આગ દગાબાજ પ્રેમીને બાળે એ પહેલાં તમને પોતાને દઝાડે છે એનો તેમને કદાચ અંદાજ નથી.
એક યુવાન સન્યાસિનીએ આ વાત બહુ નજાકતથી રજૂ કરી છે. એ કહે છે કે પ્રેમ અને ધિક્કાર કદી સાથે ન રહી શકે. કાં તમે કોઇને ચાહી શકો, કાં ધિક્કારી શકો પણ ધિક્કાર તમને મુરઝાવે છે, પ્રેમ તમને મહોરાવે છે. તમે જ નક્કી કરો તમારે કરમાવું છે કે ખીલવું છે!