Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Aha! Zindagi
 

જીવનને જોઈએ કૃષ્ણદ્રષ્ટિથી!

 
Source: Chintan, Osho   |   Last Updated 9:24 AM [IST](02/09/2010)
 
 
 
 
 
કૃષ્ણ જીવનને કામ તરીકે નહીં, બલકે ઉત્સવની જેમ જોતા. જીવન એક મહોત્સવ છે. જીવન આનંદનો ઉત્સવ છે, કામનો નહીં.

જીવન કામ છે કે ઉત્સવ? જીવનને એક કાર્ય તરીકે ગણશું તો એ બોજ બની જશે. જીવન એક કામ હશે, તો કર્તવ્ય બની જશે. જીવનને કામ તરીકે જ જોઈશું તો આપણે એને ઘસડીશું અને જેમતેમ પૂરું કરીશું. કૃષ્ણ જીવનને કામની રીતે નહીં, ઉત્સવની રીતે, એક ફેસ્ટિવિટીની જેમ જોતા હતા. જીવન એક મહોત્સવ છે. જીવન આનંદનો ઉત્સવ છે, કામનો નહીં. એનો અર્થ એવો નથી થતો કે જીવનને ઉત્સવની રીતે જોનાર કૃષ્ણ કામ નથી કરતા. કામ તો કરે જ છે પણ કામ ઉત્સવના રંગમાં રંગાઈ જાય છે, કામ નૃત્ય-સંગીતમાં ડૂબી જાય છે. હા, એને લીધે કદાચ બહુ નહીં, થોડું કામ જ થઈ શકે. કવોન્ટિટી વધુ નહીં હોય, પણ ક્વોલિટીનો બેહિસાબ હશે. પરિણામ ઓછું આવશે, માત્રા પણ ઓછી હશે, છતાં ગુણવત્તા અત્યંત ધેરી હશે.

તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક ચીજને કામમાં બદલી નાખી છે તેવા લોકોએ પોતાની જિંદગીને કેટલી તાણથી ભરી દીધી છે? જિંદગીનો સઘળો ઉચાટ, ચિંતા વગેરે આ અતિકામવાદી લોકોની જ ઊપજ છે. તેઓ કહે છે, કાર્ય કરતાં રહો, ખૂબ કરો, બસ કરતાં રહો, કરો યા મરો. એમની પાસે બીજી કોઈ દ્રષ્ટિ જ નથી. અરે પણ માણસ કામ શેના માટે કરે છે? આપણે કામ પણ એટલા માટે કરીએ છીએ કે કોઈ એકાદ ક્ષણમાં નાચી શકીએ, ગાઈ શકીએ, પણ કામ એટલા જોરથી આપણને વળગે છે કે નાચવાનો તો મોકો જ નથી મળતો.

ગીતો ગાવાનો અવસર જ ગુમાવી બેસીએ છીએ. વાંસળી વગાડવાની ફુરસદ જ ક્યાં રહે છે? ઓફિસથી ઘર ને ઘરથી ઓફિસ. મગજમાં બેસીને ઘર છેક ઓફિસ સુધી આવી જાય છે અને ઓફિસ ઘર સુધી પહોંચી જાય છે. બધું અગડમબગડમ થઈને ગૂંચવાઈ જાય છે. બસ, પછી આપણે જિંદગીભર દોડતા રહીએ છીએ, એ આશામાં કે કોઈક દિવસ તો એવી ક્ષણ આવશે, જેમાં આરામ કરશું, આનંદ માણીશું... પણ એ ક્ષણ ક્યારેય નથી આવતી. એ આવશે જ નહીં. વર્કોહોલિક માણસના જીવનમાં એ ક્ષણ ક્યારેય આવતી જ નથી.

કૃષ્ણ જીવનને ઉત્સવની જેમ, મહોત્સવની જેમ, એક રમતની જેમ જુએ છે. ફૂલને જુઓ, પક્ષીને જૂઓ, આકાશના વાદળને જુઓ... મનુષ્યને છોડી આખા જગતને જુઓ. સર્વત્ર ઉત્સવ જ છે. પૂછો આ ફૂલોને કે તમે ખીલો છો શા માટે? શું કામ છે? નકામાં ખીલ્યાં છો. તારાને જઇને પૂછો કે તેઓ ચમકે છે શા માટે? શું કામ છે? અરે, પૂછો આ હવાને - વહે છે શા માટે? વહેવાનું શું કામ છે?

મનુષ્યને છોડીને આખા જગતમાં કોઈને કામ છે જ નહીં. મનુષ્ય સિવાય આખા જગતમાં મહોત્સવ છે. પ્રતિપળ ઉત્સવ ચાલી રહ્યો છે. કૃષ્ણ આ જગતના ઉત્સવને મનુષ્યના જીવનમાં પણ લઈ આવે છે. તેઓ કહે છે કેે મનુષ્યનું જીવન પણ આ ઉત્સવની સાથે એકરસ થઈ જાય. એવું નથી કે ઉત્સવમાં કામ નહીં થાય. એવું નથી કે હવા દોડી નથી રહી. દોડે છે. એવું નથી કે ચાંદ-તારા નથી ઊગતા. ઊગે છે. એવું નથી કે ફૂલોને ઊગવા માટે કશું નથી કરવું પડતું. ઘણું કરવું પડે છે... પણ કામ કરવું ગૌણ થઈ જાય છે. હોવું મહત્ત્વપૂર્ણ થઈ જાય છે.

ડુઇંગ પાછળ રહી જાય છે, બીંઈગ આગળ આવી જાય છે. ઉત્સવ પહેલા થઈ જાય છે, કામ પાછળ રહી જાય છે. કામ ફક્ત ઉત્સવની તૈયારીનું જ રહે છે. દુનિયાની તમામ આદિમ જાતિઓ દિવસભર કામ કરે છે, જેથી રાત્રે નાચી શકે. રાત્રે ઢોલ વાગે અને ગીતો વાગતાં હોય પણ સભ્ય માણસ પાસે જઈએ તો એ દિવસભર કાર્ય કરતો રહે છે અને રાત્રે પણ કામ કરે છે. એને કોઈ પૂછે કે તું કામ કેમ કરે છે? એ જવાબ આપે છે: આવતી કાલે આરામ કરવા માટે! એ આરામને પોસ્ટપોન કરે છે. કામ તો કરતો જ જાય છે, પછી એની એ કાલ ક્યારેય પડતી જ નથી.

તો હું કૃષ્ણના આ મહોત્સવવાદી વલણથી રાજી છું.આટલું કામ કરીને પણ માનવીએ શું ધાડ મારી છે? કામ કરવું એ જ લક્ષ હોય તો અલગ વાત છે. સવાલ એ છે કે આટલું કામ કર્યા પછી આપણે પામ્યા છીએ શું?

સિસીફસને દેવતાઓએ શાપ આપ્યો કે જયારે તે મોટા પથ્થરને પહાડ પર ચઢાવીને લઈ જશે અને ટોચ પર પહોંચશે ત્યારે પથ્થર ફરી ખસીને નીચે ચાલ્યો જશે. સિસીફસ પથ્થરને નીચેથી ઉપર સુધી ખેંચે છે, કામમાં લાગેલો રહે છે, ટોચ પર પહોંચાડે છે પણ પથ્થર ફરી નીચે ગબડી જાય છે. ફરી એ પથ્થરને ઉપર ચઢાવે છે. કામગરા માણસની જિંદગી સિસીફસ જેવી થઈ જાય છે. પથ્થરોને ચઢાવતો રહે છે. પથ્થર ગબડતા રહે છે, એ ચઢતો રહે છે. ક્યારેક પથ્થર ચડાવવામાં ગુંથાયેલો રહે છે, તો ક્યારેક પથ્થરને પડતા બચાવવામાં. આખી જિંદગીમાં વિરામ, વિશ્રામ અને ઉત્સવની ક્ષણ આવતી જ નથી. એ આવવી શક્ય જ નથી.

આ કામ કરનારા લોકોએ આખી દુનિયાને મેડ હાઉસ બનાવી દીધી છે. બિલકુલ પાગલખાનું કરી દીધું છે. એકાએક માણસો પાગલ થઈ ગયા છે. જાણે ક્યાંય પહોંચવું હોય તેમ બધા દોડતા રહે છે. મેં એક માણસ વિશે સાંભળ્યું હતું. એણે ઉતાવળે ટેકસી પકડી અને કહ્યું, જલદી ચલો! ટેકસીવાળાએ ઝડપથી ટેકસી ચલાવી. થોડી વાર પછી એણે પૂછ્યું, લેકિન ચલના કહા હૈ? એણે કહ્યું, સવાલ એ નથી, સવાલ જલદી જવાનો છે! આપણે બધા પણ જિંદગીમાં આ જ રીતે સવાર થયેલા છીએ.

જલદી ચલો. બધા જ બૂમો પાડે છે, હરી અપ. પણ ક્યાં જઈ રહ્યા છો તમે? જે પણ કરો તે ઝડપથી કરો પણ શા માટે? એનું પરિણામ શું આવશે? શું મેળવવાની ઇચ્છા છે? એની ખબર નથી! એટલો સમય પણ ક્યાં છે કે એના વિશે કંઇ વિચારીએ? ના, ના. વિચારવા બેસીશું તો મોડું થઈ જશે, પાડોશી આગળ નીકળી જશે! આપણે બધા ભાગી રહ્યા છીએ. આ કામગરા, અતિ કામઢા અને જેમના માટે કામ જ સર્વસ્વ છે તેવા લોકોએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. એક નુકસાન તો એ કે જિંદગીમાંથી ઉત્સવની ક્ષણો છીનવી લીધી છે.

દુનિયામાં ઉત્સવ ઓછા થતા જાય છે. રોજ એમાં ઘટાડો થતો જાય છે. ઉત્સવની જગ્યાએ મનોરંજન આવતું રહ્યું છે. આ બંને સાવ જુદી વાત છે. ઉત્સવમાં સ્વયં હિસ્સો લેવાનો હોય છે. મનોરંજન ફક્ત બીજાને દેખાડવા માટે છે. મનોરંજન પેસિવ છે, ઉત્સવ અત્યંત એકિટવ છે. ઉત્સવનો મતલબ છે, આપણે નાચી રહ્યા છીએ. મનોરંજનનો મતલબ છે, બીજું કોઈ નાચી રહ્યું છે. આપણે રૂપિયા આપીને એને જોઈ રહ્યા છીએ પણ ક્યાં નાચવાનો આનંદ અને ક્યાં નાચ જોવાનો આનંદ! આપણે એટલું કામ કરી નાખીએ છીએ કે સાંજ પડતાં થાકી જવાય છે. આથી બીજા કોઈને નાચતા જોવાની ઇચ્છા થાય છે.

કામૂએ ક્યાંક એક વાત લખી છે કે એવો સમય જલદી આવશે જયારે માણસ પ્રેમ પણ પોતાના નોકરો પાસે કરાવી લેશે. પ્રેમ માટે ફુરસદ જોઇશેને... અને કામમાંથી ફુરસદ જ ક્યાં મળે છે? પ્રેમ કરવા માટે એક નોકર રાખી લેવાનો. કારણ કે મને તો કામમાંથી ફુરસદ જ નથી મળતી. પ્રેમ તો ઉત્સવ છે. પ્રેમનાં કોઇ નક્કર પરિણામ કે ફળ તો મળતાં નથી. તો પ્રેમ કરશે કોણ? કામ કરનારા લોકો નહીં કરે. એને માટે તો એક સેક્રેટરી રાખી શકાય જે આ કામ નિપટાવી લે. કામની અતિશય ભાગદોડમાં ઉત્સવની ક્ષણ ગુમાવી દીધી. ઉત્સવને લીધે જીવનમાં જે મહેક હતી તે ક્યાંક ખોવાઇ ગઇ છે. એટલે કોઇ માનવી પ્રસન્ન નથી. આનંદિત નથી, ખીલેલો નથી.

આથી તેના વિકલ્પ તરીકે આપણે મનોરંજન શોધવું પડયું, કારણ કે કોઇ ક્ષણ તો જોઇએ જેમાં આપણે કંઇ જ ન કરતાં હોઇએ, આરામ જ ફરમાવતા હોઇએ. આપણે જે મનોરંજન શોધીએ છીએ એ ઉધારનો ઉત્સવ છે. બીજા ઉત્સવ મનાવે છે અને આપણે જોઇએ છીએ. બિલકુલ એવી જ રીતે બીજો પ્રેમ કરે અને આપણે જોતા રહીએ. ફિલ્મ જોતા હો, ત્યારે શું કરો છો? કોઇ પ્રેમ કરે છે અને તમે જોઇ રહ્યા છો. કòપા કરીને, તમે જ પ્રેમ કરો.

આ સબસ્ટિટયૂટ કામ નહીં આવે. એ બિલકુલ ખોટું છે, નકલી છે. આનાથી કોઇ ઉકેલ આવવાનો નથી. તમે એ ખયાલમાં વિહરશો કે કામ તો થઇ ગયું, પણ તમારી પ્રેમની જે આકાંક્ષા છે એની તૃપ્તિ નહીં થાય ઊલટું વધુ અતૃપ્ત થઇ જશે.કૃષ્ણ ઉત્સવવાદી છે, તેઓ જીવનને મહાલીલા, એક મહોત્સવની જેમ લે છે.

કામ કરનારા આ લોકોએ જગતને કોઇ પણ પ્રકારનો લાભ પહોંચાડયો હોય એવું દેખાતું નથી, ઊલટું તેમણે જગતને બરાબરનું ગૂંચવ્યું છે. છેવટે જગત એટલું જટિલ થઇ ગયું કે સાધારણ રીતે જે જીવી શકાતું હોય એમાં પણ મુશ્કેલી પડવા લાગી છે.

આપણે રામભક્ત હનુમાનની વાત કરીએ તો તે મોટા કર્મનિષ્ઠ, બ્રહ્મચારી, શક્તિશાળી લાગે છે. કૃષ્ણભક્ત એવા નથી લાગતા. મીરાં નાચે છે, ગાય છે, પણ પેલી કર્મનિષ્ઠાવાળી વાત નથી દેખાતી. દેખાશે પણ નહીં, કારણ કે રામ જિંદગીને કામ તરીકે જુએ છે. કૃષ્ણ જિંદગીને ઉત્સવની જેમ જુએ છે. જિંદગીને ઉત્સવની જેમ જોવાનો અંદાજ જ અલગ છે. તમારે જો વિકલ્પ પસંદ કરવાનો હોય કે હનુમાન સાથે ચોવીસ કલાક રહેવું છે કે મીરાં સાથે, તો વિચારવું પડશે. તમને લાગશે કે હનુમાનથી બચું તો જ ઠીક. એનું શું કરશો? એની સાથે ચોવીસ કલાક એક જ ખંડમાં ગાળવા મુશ્કેલ થઇ જશે. મીરાં સાથે ચોવીસ જિંદગી વિતાવી શકાય.

એ પણ સત્ય છે કે કૃષ્ણનો ભક્ત, કૃષ્ણને પ્રેમ કરનારો આઉટર એકિટવિટીથી, બહર્મિુખતાથી ધીરેધીરે ખસતો જાય છે. એ કોઇ આંતરિક ઊંડા રસમાં ડૂબતો જાય છે. ડૂબશે. કારણ કે એને દેખાશે કે અંદર ન ડૂબવાથી એ કંઇક અદ્ભૂત ગુમાવી રહ્યો છે.

જે દિવસે દુનિયામાં મીરાં વધી જશે એ દિવસે દુનિયામાં ઘણી શાંતિ હશે. મીરાં, મીરાંનું તાદાત્મ્ય, મીરાંનો સંબંધ જીવનનાં ઊંડાણ સાથે છે. મીરાંના આનંદની ધૂન બીઈંગની ધૂન છે, ડૂઈંગની નહીં. કંઇ કરવાની મજા નથી, હોવાની જે ક્ષણ છે તેની મજા છે. હોવું જ આનંદપૂર્ણ છે. મીરાં જો ગીત ગાઇ રહી છે તો ગીત ગાવું એ કામ નથી, એ એના હોવાને લીધે આનંદથી નીકળતી અભિવ્યકિત છે. એ એટલી આનંદમાં છે કે એના અંતરમાંથી, એનામાંથી ગીત જ સ્ફૂરી શકે.
તો હું ઇરછીશ કે જગત ધીરેધીરે સંગીતભર્યા, ગીતસભર, નૃત્યસભર ઉત્સવથી સુશોભિત થાય.

આપણે જેને બાહ્ય જગત કહીએ છીએ, કામકાજની દુનિયા કહીએ છીએ, એમાં જેટલું જરૂરી હોય એટલા જ ઊંડા ખૂંપો. એ દુનિયાનો એટલો જ ઉપયોગ કરો જેટલા અંદર સુધી જવાનું અનિવાર્ય હોય. એનાથી વધુ જવાની આવશ્યકતા નથી. વધુ રોટી કમાવી પડશે, પણ રોટી કમાવી એ જ ફક્ત જિંદગી નથી. કમાઇને જીવી શકવા માટે જ રોટી કમાવી પડે છે. અમુક લોકો તો રોટલી પર રોટલીનો ઢગલો જ કરતાં જાય છે. પછી એને ખાવાનું જ ભૂલી જાય છે. જયાં સુધી રોટલીનો ગંજ ખડકાય છે ત્યાં સુધીમાં તો ભૂખ પણ મરી જાય છે. એનું કારણ એ છે કે આટલા દિવસ ખાધું જ નહોતું! પછી અચાનક ખયાલ આવે છે કે હવે શું કરીએ?

સિકંદર હિંદુસ્તાન આવતો હતો ત્યારે એ ડાયોસનીસને મળ્યો હતો. ડાયોસનીસે એને પૂછ્યું કે તું ક્યાં જઇ રહ્યો છે? તું શું કરી રહ્યો છે? સિકંદરે કહ્યું: પહેલા મારે એશિયા માઇનર જીતવું છે. ડાયોસનીસે કહ્યું: બરાબર. પછી શું કરવાનો ઇરાદો છે? સિકંદર કહે : હિંદુસ્તાન જીતવું છે. પછી? સિકંદરે કહ્યું : આખી દુનિયા જીતવી છે. ડાયોસનિસે ફરી એ સવાલ કર્યો, પછી? ડાયોસનીસ રેતી પર સૂતો હતો, સવારનો તડકો નીકળ્યો હતો. સિકંદરે કહ્યું, બસ પછી તો આરામનો ઇરાદો છે. તો ડાયોસનીસ ખિલખિલાટ હસી પડયો અને પોતાના પાળેલા કુતરાને બોલાવીને કહ્યું: જો આ પાગલ સિકંદરને જો.

આપણે અત્યારે જ આરામ કરી રહ્યા છીએ, જયારે આ સિકંદર કેટલોય ઉપદ્રવ મચાવી આરામ કરશે. ડાયોસનીસે સિકંદરને કહ્યું : છેવટે આરામ જ કરવો છે, તો આવ, નદીના તટ પર સૂઈ જા, અહીં જગ્યા ઘણી છે. આપણે બંને સમાઇ જશું. હું પણ આરામ જ ફરમાવી રહ્યો છું. સિકંદર, આટલું બધું કર્યા પછી પણ ઇરાદો તો આરામનો હોય તો પછી એ તો હમણાં પણ કરી શકાય છે. સિકંદરે કહ્યું : તારી વાત ગળે ઊતરે છે, પણ હમણાં આરામ નહીં કરી શકું, પહેલાં બધું જીતી લઉં. ડાયોસનીસે પૂછ્યું કે જીતને અને આરામને શું લાગે વળગે? સિકંદરે કહ્યું : તારી વાત સાચી છે, પણ હવે હું સફર માટે નીકળી પડયો છું, અડધેથી પાછો ન ફરી શકું. ડાયોસનીસે કહ્યું : અડધેથી પાછો ફર. આમ પણ કોઇની યાત્રા ક્યારેય પૂરી થઈ છે? છેવટે એ જ થયું, હિંદુસ્તાનથી પાછો ફરેલો સિકંદર યૂનાન પહોંચી ન શકયો, વચમાં જ મરી ગયો.

બધા સિકંદર મરી જાય છે. અડધી યાત્રાએ જ મરી જાય છે. રોટલીઓ ભેગી થતી જાય છે, ખાવાનો સમય જ નથી મળતો. સાધન-સરંજામ ભેગાં થતાં જાય છે, પણ એને ઉપયોગમાં લેવાનો સમય જ નથી આવતો. વાધ ઠોકીમારીને સરખાં કરાય છે પણ મરામત પૂરી થાય છે ત્યાં સુધીમાં હાથ ખોટા પડી જાય છે. પછી કશું જ કરવાનું રહેતું નથી.
ના, જીવનને ઉત્સવ તરીકે જ વધાવવું પડશે. એ જ તો જીવનની ધૂન છે. તમને કોઇ પૂછે, અરે, તમે જ તમારી જાતને પૂછો કે તમે જે કરી રહ્યા છો, એ જીવવા માટે કરી રહ્યા છો કે કરવા માટે જીવી રહ્યા છો? તો જ તમને યોગ્ય જવાબ મળશે. અને ત્યારે જ તમને કૃષ્ણ ઘણા નજીક લાગશે. તમે જીવવા માટે બધું કરી રહ્યા છો, કરવા માટે નથી જીવતા. અગર જીવવા માટે બધું કરી રહ્યા છો તો પછી બરાબર છે, એટલું જ કરવું પર્યાપ્ત છે જેટલાથી જીવી શકાય. વધારે કરવાની શું જરૂર? એનો કોઇ અર્થ નથી.

આ વૃત્તિ ફેલાય તો અનેક ઉપદ્રવો બંધ થશે. એનું કારણ છે કે ઘણા ખરા ઉપદ્રવ આ અધિક કરવાને લીધે જ ઉત્પન્ન થાય છે. દુનિયા વધુ શાંત, વધુ આનંદમગ્ન, વધુ પ્રફુલ્લિત, વધુ ઉલ્લાસભરેલી થશે. હા, અમુક સમસ્યાઓ બિલકુલ જતી રહેશે, ચિંતા જતી રહેશે, તાણ નહીં રહે, પાગલખાનાં બંધ થશે, અનેક માનસિક રોગ દૂર થશે. આટલી ચીજો ચોક્કસ ગુમાવવી પડશે.એટલે હું તો કહીશ કે કૃષ્ણનું ઉત્સવવાદી ચિત્ત મને તો બહુ પ્રસન્ના છે.

ચિંતન , ઓશો
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.