Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Aha! Zindagi
 

કાલિદાસ એટલે કાલિદાસ!

 
Source: Akshardham, Roopali Shah   |   Last Updated 4:15 AM [IST](22/08/2010)
 
 
 
 
 

મેઘદૂત


કવિ: મહાકવિ કાલિદાસસંપાદક : રજનીકુમાર પંડયાપ્રકાશક : શ્રી હીરાલક્ષ્મી મેમોરિયલ ફાઉન્ડેશન(આશાપુરા ગ્રુપ)પાનાં : ૮૦, કિંમત(સમગ્ર સંપુટ): ૫૯૫ રૂપિયા, માત્ર પુસ્તક : ૨૯૫ રૂપિયા.


વિરહની વાત આવે એટલે મહાકવિ કાલિદાસ રચિત કાવ્યકૃતિ ‘મેઘદૂત’ અચૂક યાદ આવે. ‘મેઘદૂત’ વિશે અનેક વિવરણો લખાયાં છે અને ગુજરાતી ભાષામાં જ એના ચાળીસેક જેટલા અનુવાદ થયા છે, જેમાં નેવું વર્ષ પહેલાં સ્વ. કિલાભાઇ ઘનશ્યામે કરેલો અનુવાદ સૌથી શ્રેષ્ઠ અને લોકપ્રિય ગણાય છે.


આ પુસ્તકમાં કવિ કાલિદાસે રચેલા શ્લોકોનો સ્વ. કિલાભાઇ ઘનશ્યામે કરેલો સમશ્લોકી અનુવાદ છે, તેમ જ ગધ સ્વરૂપમાં તેનો સવિસ્તાર અર્થ આપવામાં આવ્યો છે. ડો. ગૌતમ પટેલે કરેલા તેના ગધાનુવાદનું જાણીતા સાહિત્યકાર રજનીકુમાર પંડયાએ રસાળ પુનર્લેખન કર્યું છે. અનેક ઉપમા અને રૂપકોવાળા આ મેઘદૂતમાં શું વર્ણવાયું છે? સ્વામી કુબેરની સેવા કરતાં કોઇ યક્ષ ફરજ ચૂકે છે. એને યક્ષિણીથી વિખૂટા પડવાનો શાપ મળે છે અને એ યક્ષ રામગિરિના આશ્રમમાં જઇ વસે છે.


અષાઢ મહિનો આવતાં જ આકાશમાં છવાયેલાં વાદળને જૉઇ પોતાની પ્રિયતમાને મળવા માટે આકુળવ્યાકુળ થયેલો યક્ષ શ્યામલ મેઘને પોતાનો સંદેશાવાહક - દૂત બનાવી દે છે. ‘પૂર્વ મેઘ’ અને ‘ઉત્તર મેઘ’ એમ બે ખંડમાં વહેંચાયેલા આ ખંડકાવ્યની વિશેષતા એ છે કે અહીં નાયક-નાયિકાનાં કોઇ ચોક્કસ નામ નથી. કાલિદાસે ફકત કિશ્ચત યક્ષ: એટલે કે ‘કોઇક યક્ષ’ એટલું જ કહ્યું છે. તેથી જ ‘મેઘદૂત’ ફકત યક્ષકથા ન રહેતાં કવિ તથા પ્રત્યેક માનવીની કથા-વ્યથા બની જાય છે.


વાદળ મહારાષ્ટ્રના નાગપુર નજીકના રામગિરિ પર્વતથી છેક ઉત્તરે કૈલાસની અલકાનગરી સુધીનું અંતર કાપે છે. મેઘ જે રસ્તે પસાર થાય છે એ માર્ગમાં આવતી ભારતની નદી, પર્વત, ગ્રામ, ગ્રામવધૂ, ગ્રામજનો, નગર, મહેલાતો, સુંદરીઓ અને ભારતવર્ષના ઇતિહાસ ભૂગોળ ગૂંથી લેવાયા છે. આમ આ કાવ્ય ભારતનું સાહિત્યિક રાષ્ટ્રગાન પણ કહી શકાય. નયનરમ્ય રેખાંકનોવાળું પુસ્તક અને જહેમતપૂર્વક તૈયાર થયેલી ઓડિયો સીડી ધરાવતો આ સેટ આપણા સાહિત્યિક વારસાના રસલહાણ સમાન છે.


પાત્રો અને પરિસ્થિતિઓમાં આંતર્પ્રવેશ


 

મનપ્રવેશ



લેખક:   રવીન્દ્ર પારેખ


પ્રકાશક: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે,


ગોપીપુરા, સુરત ૩૯૫૦૦૧


પાનાં: ૧૧૨, કિંમત: ૫૦ રૂપિયા


 વલિકા, એકાંકી, કવિતા જેવા સાહિત્યપ્રકારોનું ખેડાણ કરી ચૂકેલા સર્જક રવીન્દ્ર પારેખ આ વખતે નવલકથા લઈને આવ્યા છે. પાણીની અછત અનેક સમસ્યા સર્જતી હોય છે, તે જ રીતે પાણીનો ધસમસતો પ્રવાહ પણ કેવી લાચારી સર્જે છે એનો ચિતાર આપતી કથા એટલે ‘મનપ્રવેશ’. સોનાની મૂરત કહેવાતું સુરત શહેર જળબંબાકાર બન્યું તે પરિસ્થિતિએ આ કથાનું બીજ રોપ્યું.  કુદરતી કોપ ફ્રિજ, ટીવી, એ.સી., ફોન જેવી ભૌતિક સુવિધાનાં સાધનોને અપ્રસ્તુત કરી મૂકે છે.  ચોમેરને એકાકાર કરી નાખતું પાણી બહારની વ્યવસ્થાને ભૂંસી નાખે છે. અસ્તિત્વને ઓગાળી નાખતો આ હાહાકાર માનવીને અઢળક સુખ-સગવડ વરચે પણ એકાકી બનાવી દે અને તેને પોતાની જાત તરફ ફંગોળે, તેમ બને. પૈસાનું એક આગવું રૂપ હોય છે, જે માનવીને લાઉડ પણ બનાવી શકે છે અને બેફામ પણ. અહીં નાયિકાને કોઇ વસ્તુની અછત નથી. સ્વરછંદતા એની તાસીર છે. લેખકની કલમ દ્વારા નાયિકાનો બોલ્ડ મિજાજ બરાબરનો ખીલ્યો છે.  સાધારણ સ્થિતિમાં સહાઘ્યાયીને અસાધારણ રીતે ચાહતી નાયિકા રેલ આવતાં મિત્રો અને સંબંધીઓથી વિખૂટી  પડી જાય છે. સર્વત્ર જળબંબાકાર એને પોતાના જ ઘરમાં બંદી બનાવે છે ને એને લીધે ઊપજતી વિવશતા નવલકથાનો મોટો ભાગ રોકે છે. લેખકે નાયિકાના આપ્તજનોને માત્ર ટેલિફોનિક-ટોકથી જ ઊપસાવ્યા છે.   

નાયિકાની સખી તથા એનો પ્રેમી પણ  ઘોડાપૂર આવતાં જ વછૂટી જાય છે. છેવટે બાકી બચે છે નાયિકા એકલી. આ કથામાં લેખકે બે જ ગતિસ્થિતિ આલેખી છે - એક જળ અને બીજી અશ્રુજળ! લાચાર નાયિકાની ટૂંટિયું વાળીને પડેલી અને પછી આળસ મરડીને બેઠી થતી ભૂખ, ફૂંફાડા મારતાં પાણી વરચે જીવવાની જીજીવિષા.. નાયિકાની હોપલેસ અને હેલ્પલેસ પરિસ્થિતિ લેખકે અસરકારક રીતે  બયાન કરી છે.  ‘મનપ્રવેશ’ સર્જકનો પોતાનામાં પાછા ફરવાનો અને સ્વયંને ઓળખવાનો અનુભવ છે.


 

અક્ષરધામ,  રૂપાલી શાહ


 


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.